પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
રાક્ષસની પ્રતિજ્ઞા.


“સેનાધ્યક્ષ !” રાક્ષસ એકાએક મોટેથી પોકારી ઊઠ્યો “આ તમારું કેવું કપટ નાટક! તમારી દૃષ્ટિથી તે વૃષલીનો ભત્રીજો મહારાજ હશે, પરંતુ મારા વિચાર પ્રમાણે તેમ નથી. મારા આ દેહમાં જ્યાં સૂધી પ્રાણ છે, ત્યાં સુધી મારાથી બનતા હું બધા પ્રયત્નો કરીશ અને તેને આ મગધદેશની સીમાથી બહાર કાઢી મૂકીશ. નન્દના રક્તથી રંગાયેલા હસ્તે મારા ગળાને બાઝીને મને પણ તું પોતાના પક્ષમાં લેવાની ઇચ્છા રાખે છે, એમાં તારી ભૂલ છે - તું ઠગાય છે. હું નન્દવંશનો ઋણી છું - તેથી હું મરતાં સુધી પણ તેની સેવા કરીશ, તારા ચન્દ્રગુપ્ત જેવા દ્રોહીજનોની સેવા કરીને હું મારી કાયા અને બુદ્ધિને કદાપિ કલંકિત કરનાર નથી. જા અને હવે બીજી વાર મારાથી આ વિષય સંબંધી ભાષણ કરવાને આવીશ નહિ. મારા અંગમાં જો હજી પણ કાંઈ કર્તૃત્વશક્તિ હશે, તે શીધ્ર જ તેનું તમને દર્શન થશે. નહિ તો હું આ મગધદેશમાંથી મારું કાળું મોઢું કરીને સદાને માટે ચાલ્યો જઈશ. જા – હવે તારું અને મારું પુનઃ સંભાષણ કોઈ કાળે પણ થવાનું નથી. તે તારા માટે નવો માર્ગ અને નવો સ્વામી શોધી કાઢ્યો છે, પણ હું તો મારા જૂના માર્ગમાં જ પ્રયાણ કરીશ. તારા બોલવા ઉપરથી સાફ જણાય છે કે, તમારી પૂઠે બીજો પણ કોઈ સહાયક છે. તારા બોલવામાં હમણાં જ આર્ય ચાણક્યનું નામ આવ્યું હતું; પરંતુ તેને અર્ધું દબાવીને તેં ચન્દ્રગુપ્તના નામનો ઉચ્ચાર કર્યો. એ બ્રાહ્મણે તને સર્વથા મોહપાશમાં ફસાવીને પોતાનો દાસ બનાવી લીધો હોય, એમ સ્પષ્ટ અનુમાન થઈ શકે છે. એ બ્રાહ્મણનો તો આ બધો પ્રપંચ નહિ હોય? એ ચન્દ્રગુપ્તસાથે જ અહીં આવ્યો હતો, માટે આ બધાં કૃત્યો કદાચિત્ એનાં જ હશે. કદાચિત્ તે વ્યાધરાજાએ જ એને મગધનું રાજ્ય લેવા માટે અહીં મોકલ્યો હોય, એમ કેમ માની ન શકાય? હું ઘણો જ મૂર્ખ કે નેત્રો બંધ કરીને બેસી રહ્યો. મારા મનમાં કિંચિદ્ માત્ર પણ શંકા આવી નહિ, કે આવો ભયંકર પ્રસંગ આવવાનો છે ! નીતિમાં એમ કહેલું છે કે, રાજમંત્રીએ સર્વદા જાણે શત્રુઓ ચઢી આવ્યા હોય, એવી શંકાથી જ રહેવું જોઈએ અને તે સત્ય છે, પણ હવે હું વિનાકારણ લાંબાં લાંબાં ભાષણો આપતો બેસી રહ્યો છું, એથી શો લાભ થવાનો છે? ભાગુરાયણ ! તમે ત્રણ ચાર જણે મળીને જે કાર્ય કર્યું, તે સર્વથા અનુચિત હતું. અને વળી એ પ્રપંચ રાક્ષસે કર્યો એવો લોકોના મનમાં ભ્રમ ઉપજાવ્યો છે, એ તે વળી તેના કરતાં પણ વધારે અયોગ્ય છે. હું એ પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનો પ્રસંગ તમારે શિરે અવશ્ય લાવીશ, લાવીશ ને લાવીશ - ત્યારે જ મારા જીવનની સાર્થકતા થશે. તમારા કપટ-