પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

નાટકના રહસ્યને હજી હું બરાબર જાણી શક્યો નથી. પરંતુ એકવાર એ બધું મારા સમજવામાં આવ્યું, એટલે હું તમારા કરતાં સહસ્ત્ર વાર સરસ કહી શકાય તેવાં કપટનાટકો ભજવી શકીશ, અને તેમ કરીને તમારા બધાનો વિધ્વંસ કરીશ. હવે પાછો આ રાક્ષસને ભેટીશ નહિ. આ રાક્ષસ નન્દનો સેવક છે - જ્યાં સૂધી પૃથ્વીમાં નન્દ એ નામ માત્ર પણ કાયમ છે, ત્યાં સૂધી બીજા કોઈની પણ હું સેવા કરવાનો નથી.” એટલું બોલીને રાક્ષસ ભાગુરાયણને પીઠ દેખાડી મોઢું ફેરવીને મૌન્ય ધારી બેસી રહ્યો – એક શબ્દ પણ તેણે પાછો ઉચ્ચાર્યો નહિ. ભાગુરાયણને પણ હવે શેનો જવાબ આપવો, એની સૂઝ પડી નહિ, અને ત્યાં વધારે વાર બેસવામાં પણ લાભ નથી એમ પણ તેને જણાયું. તેથી તેણે “આપની જેવી ઇચ્છા હોય તેમ કરવાને આપ સમર્થ છો.” એટલું જ વાક્ય ઉચ્ચારીને ત્યાંથી પ્રયાણ કર્યું. જે કાંઈ બન્યું હતું, તે બધા કાર્યનો કર્તા બીજો જ છે, એમ જાણવા છતાં પણ તેનો સધળો આરોપ રાક્ષસના શિરે ઢોળી પાડવા જેટલી શક્તિ ભાગુરાયણમાં હતી નહિ. ગમે તેટલો તે દક્ષ હોય, તોપણ ઘણાંક વર્ષ સૂધી તેણે અમાત્ય રાક્ષસના હાથ નીચે કામ કર્યું હતું. એથી એકદમ તેના પર આટલો બધો દોષારોપ કરતાં તે અચકાયો હોય, તો તેમાં આશ્ચર્ય જેવું કાંઈપણ નથી. ભાગુરાયણ ત્યાંથી બહાર નીકળ્યો, તે વેળાએ પોતે જાણે કોઈ મોટા સંકટમાંથી મુક્ત થયો હોય, એમ તેને ભાસ્યું. ભાગુરાયણ એક સિપાહી ભાઈ હોવાથી કપટભાષણ કરીને બીજાના મનની વાત કાઢી લેવાની કળામાં તે કાચો હોય, એ સ્વાભાવિક હતું. ત્યાંથી નીકળી સીધો ચાણક્ય પાસે આવીને તેણે બનેલી સર્વ બીના ચાણક્યને અથેતિ કહી સંભળાવી. રાક્ષસ સુલભતાથી તો આપણા પંજામાં આવવાનો નથી જ, એ તો ચાણક્ય સારીરીતે જાણતો હતો; પરંતુ જો તેણે પોતા વિરુદ્ધ કાંઈપણ કપટવ્યૂહની રચના કરી હોય, તો તેની કાંઈક ખબર મેળવવાના હેતુથી, જ ચાણક્યે ભાગુરાયણને તેની પાસે મોકલ્યો હતો. ભાગુરાયણે ત્યાં જઈને જેટલી વેળા વીતાડી, તેટલી વેળામાં બીજી જે કાંઈ યોજનાઓ કરવાની હતી, તે ચાણક્યે યથાસ્થિત કરી રાખી, અને ચન્દ્રગુપ્તના હાથે રાક્ષસ પર પત્ર લખાવ્યું કે, “પર્વતેશ્વરને અમે પકડી લાવ્યા છીએ, એ સમાચાર આપે સેનાપતિના મુખથી સાંભળ્યા જ હશે. હવે પર્વતેશ્વરે જે આ ભયંકર અપરાધ કરેલો છે, એનો તેની પાસેથી જવાબ માંગીને તેને શિક્ષા કરવી કે તેના પુત્ર પાસેથી યોગ્ય ખંડણી લઈને તેને છોડી દેવો, એ વિશેના વિચાર માટે અધિકરણિકાની યોજના કરવાની છે. આપ નન્દકુળના સ્વામિનિષ્ઠ સેવક છો