પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
ન્યાય શો થયો ?

મેળાપ થતાં જ ચન્દ્રગુપ્તે તેને કહ્યું કે, “અમાત્યરાજ ! પ્રથમ તો તપાસ ગુપ્તરીતે કરવી તે વધારે સારું છે; કારણ કે, આપણે તપાસ કરીએ છીએ, એ વાત જો પ્રપંચીઓના જાણવામાં આવી જશે તો તેઓ ન્હાસી જશે, પાછા તેમને પકડી લાવવામાં આપણને ઘણો જ ત્રાસ વેઠવો પડશે. અથવા તો આપણા શત્રુ યવનો એવા પ્રપંચીઓને સહાયતા આપવા માટે આતુર થઈ રહેલા છે, તેમને તેઓ જઈ મળશે, એટલા માટે આપણે પર્વતેશ્વરને એકાંતમાં બોલાવીને જે પ્રશ્નો કરવાના છે તે કરીએ અને તેના મુખેથી જેમનાં નામે નીકળે, તેમને એકદમ પકડીને યોગ્ય શિક્ષા આપીએ. પછી તે ગમે તે હોય – કોઈ મહા વિદ્વાન શ્રોત્રિય બ્રાહ્મણ હોય કે કોઈ ચાંડાલ હોય – તેની આપણને દરકાર નથી.”

ચન્દ્રગુપ્તનું એ ભાષણ રાક્ષસને ઘણું જ ગમ્યું અને તેથી તેના મતને તેણે તત્કાલ અનુમોદન આપ્યું. રાક્ષસનો એ નિશ્ચય હતો કે, ચન્દ્રગુપ્ત, ચાણક્ય અને ભાગુરાયણ એ ત્રિપુટીએ જ આ બધાં કારસ્થાનો રચેલાં છે અને પર્વતેશ્વર બિચારો ભૂલથી જ એમાં ઝોકાઈ પડ્યો છે; અથવા તો તેને એમણે ફસાવી માર્યો છે. પરંતુ ખરી રીતે શું થયું હતું અને પર્વતેશ્વર એ પ્રપંચમાં કેવી રીતે ફસાયો હતો, એ શોધી કાઢવું ઘણું જ કઠિન હતું, તો પણ “હું ગમે તેમ કરીને સત્ય વાર્તા શી છે તે શોધી કાઢીશ અને એ કારસ્થાનીઓની પૂરી રેવડી કરીશ. એમણે મને ફસાવીને જાળમાં સ૫ડાવવા માટે ન્યાયાધીશ નીમીને બોલાવેલો છે, પણ હું તેમનાં સઘળાં કારસ્થાનોને ઊઘાડાં પાડી તેમના જાળમાં તેમને જ સપડાવીશ અને તેમની ખાત્રી કરી આપીશ, કે રાજકારસ્થાનો આવાં હોય છે.” એવો વિચાર કરીને રાક્ષસ ન્યાયાસનના સ્થાનમાં ગયો. ત્યાં ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણ એ બે જણ જ બેઠેલા હતા. તે બન્નેએ તેને ઉઠી ઊભા થઈને માન આપ્યું અને તેને મધ્યસ્થાને આદર સહિત બેસાડ્યો. “ભાગુરાયણ અને ચન્દ્રગુપ્ત બને લુચ્ચા છે. પણ હું તેમની લુચ્ચાઈ અને ઢોંગને હમણાં જ તોડી પાડીશ.” એવી રાક્ષસે મનમાં જ યોજના કરી. પરંતુ એ વિચાર મનમાં આવ્યો ન આવ્યો તેટલામાં પાછું તેને એમ ભાસ્યું કે, “આજે સર્વ અધિકાર એમણે પોતાના હાથમાં કરી લીધો છે, તો મારાથી એમનો પરાભવ કેવી રીતે કરી શકાશે ? હું કદાચિત્ એમ જાણી પણ શકું કે, પર્વતેશ્વર દ્વારા એમણે જ નન્દકુળનો નાશ કરાવ્યો છે, તો પણ અત્યારે શું થઈ શકે એમ છે ? શું એ લુચ્ચાઓ પોતાનો અપરાધ કબૂલ કરશે ? એ તો સામો એ અપરાધ મારા શિરે જ ઢોળી પાડવાનો પ્રયત્ન કરશે.” પરંતુ હવે એના એ વિચારો સર્વથા નિરર્થક હતા. હવે એ વિચારોનું કાંઈપણ