પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પરિણામ થઈ શકે, તેમ નહોતું. અત્યારસુધી તેમની સર્વ માગણીઓ કબૂલ રાખીને હવે ત્યાંથી નીકળીને ચાલ્યા જવું કે ન્યાયાધીશત્વનો અસ્વીકાર કરવો, એ ઉભય કાર્ય અશક્ય હતાં – એથી તો સામો લોકોને સંશય વધવાનો સંભવ હતો. માટે હવે તો જે કાર્યમાટે અહીં આગમન થયું હતું, તે કાર્ય કરવા વિના બીજો માર્ગ જ રહ્યો નહોતો. હવે તો ભવિષ્યનો વિચાર ભવિષ્યમાં જ થવાનો હતો. એ સઘળા વિચારો એક પછી એક મનમાં આવવાથી રાક્ષસે ચન્દ્રગુપ્તને કહ્યું કે, “કિરાતરાજ કુમાર ચન્દ્રગુપ્ત ! નન્દવંશનો નાશ થતાં તું જ માત્ર આ સિંહાસનની વ્યવસ્થા કરનારો રહ્યોને ? આ કેવો ઘાત અને કેટલો મોટો ઘાત ! એ ઘાત કરનાર નીચ પુરુષનું હૃદય કેટલું બધું કઠિન હશે ! ઠીક - પણ હવે તારા હાથે પણ શું શું થાય છે, તે જોવાનું છે, ન્યાય કરવાને હું તૈયાર છું. જો પ્રથમ એ દુષ્ટ પર્વતેશ્વરનું જ ભાષણ સાંભળવાનું હોય, તો સત્વર તેને અહીં લાવવાની વ્યવસ્થા કરો.”

રાક્ષસનું એ ભાષણ સાંભળીને ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણ એકબીજાને તાકી તાકીને જોવા લાગ્યા.

તત્કાળ ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને બોલાવી લાવવાને એક દૂતને રવાના કર્યો, પર્વતેશ્વર તો કેદી એટલે પરતંત્ર જ હતો. એટલે તે તો તેને જ્યાં બોલાવવામાં આવે ત્યાં જવાને બંધાયલો જ. તે તત્કાળ ઊઠ્યો અને સેવક સંગે આવીને ન્યાયાસન સમક્ષ ઊભો રહ્યો. દ્વારમાં પગ મૂકતાં જ તેની દૃષ્ટિ રાક્ષસ ૫ર ૫ડી કે તે જ ક્ષણે તેનો કોપાગ્નિ પ્રજળી ઊઠ્યો તેના હૃદયમાં એકાએક ઉમંગ થઈ આવ્યો. એ વેળાએ જો તે સ્વતંત્ર અને છૂટો હોત, તો તેણે પોતાની તલવારથી રાક્ષસને ત્યાંને ત્યાં ઠાર જ કરી નાંખ્યો હોત; એટલો બધો એ સમયે તે કોપને વશ થઈ ગયો હતો. તે રાક્ષસને એકદમ ધિક્કારસૂચક શબ્દોથી કહેવા લાગ્યો કે, “અમાત્ય રાક્ષસ'! તું માત્ર નામનો જ નહિ, પણ કર્મવડે પણ રાક્ષસ જ છે ! નીચ ! તારે જ્યારે પોતાના સ્વામીનો અને તેના કુળનો નાશ જ કરવો હતો, તો તેમાં વચ્ચે નકામો મને શામાટે ફસાવ્યો? મેં પણ રાજનીતિનાં ઘણાં ઉદાહરણો જોયાં છે, પણ આવી વિશ્વાસઘાતમયી રાજનીતિનું દર્શન મેં આજ સૂધીમાં કર્યું નથી. જો તારી મુદ્રાવાળાં પત્રો ન આવ્યાં હોત, તો એવાં પત્રો પર કોઈ કાળે પણ મેં વિશ્વાસ રાખ્યા ન હોત. પરંતુ મારી દુર્દશા જ સૃજાયલી હતી, ત્યાં મારો શો ઉપાય ચાલી શકે? પણ તું ઘણો જ અધમ અને પિશાચતુલ્ય પ્રાણી છે, એમાં તો જરા પણ શંકા જેવું નથી. મને ફસાવી પાછો મને વધારે વિડંબનામાં નાંખવા માટે જ તેં મને બોલાવ્યો છે ને? ધિક્કાર ! ધિક્કાર ! !......”