પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એણે મને લખ્યું હતું. હું કદાચિત્ મારું માણસ મોકલીને કાંઈ તપાસ કરાવીશ, એની પ્રથમથી જ કલ્પના કરીને એણે વધારામાં જણાવ્યું હતું, કે, મારાં પત્રનાં ઉત્તરો મારા મનુષ્ય દ્વારા જ મને મોકલવાં, તમારા દૂતદ્વારા મોકલશો નહિ. કારણ કે, જો તે કોઈ બીજાના હાથમાં જશે, તો ઘણો જ અનર્થ થશે. અમાત્ય રાક્ષસ ઘણો જ પ્રામાણિક ગણાતો હતો, તેથી તે આટલો બધો વિશ્વાસધાત કરશે, એવી મને સ્વપ્ને પણ શંકા આવી નહોતી. શંકા આવી નહિ એ તો ખરું, પણ હું ગધેડો હતો, માટે જ મારા મનમાં શંકા આવવા ન પામી. પરંતુ જ્યાં મારું દુર્દૈવ જ આવીને મારું વાટવાને ઉભું રહ્યું હોય, ત્યાં શંકા આવે શી રીતે ? ચન્દ્રગુપ્ત ! હવે તું રાજા થવાનો છે; પણ સંભાળજે - આ દુષ્ટ રાક્ષસ તારો પણ આવી જ નીચતાથી કોક દિવસે ધનાનંદ પ્રમાણે જ ઘાત કરી નાંખશે.”

ભાગુરાયણ અને ચન્દ્રગુપ્ત જાણે સર્વથા આશ્ચર્યચકિત થઈ ગયા હોયની ! તેવી રીતે રાક્ષસના મુખમંડળનું અવલોકન કરવા લાગ્યા. જાણે એ સઘળો વૃત્તાંત તેમણે નવો જ સાંભળ્યો હોય અને તે ખેાટો જ ભાસતો હોય, એવો તેમણે ડોળ કર્યો. ચન્દ્રગુપ્ત તો સર્વથા સ્તબ્ધ જ બની ગયો હતો. રાક્ષસ કેટલીકવાર સુધી શાંત થઈને બેસી રહ્યો. એટલામાં મનમાં કાંઈક જુસ્સો આવવાથી તે એકદમ ઊઠીને ઊભો થયો અને બોલવા લાગ્યો, “ પર્વતેશ્વર ! તારું ભાન ઠેકાણે છે કે નહિ? શત્રુના હાથમાં સપડાયા પછી તારી બુદ્ધિ ભ્રમિષ્ટ તો નથી થઈ ગઈને ? ક્યાં છે તે પત્રો, દેખાડ જોઈએ ?”

“લે જો આ રહ્યા. અધમ, નીચ, જો એ પત્ર મેં સંભાળી ન રાખ્યાં હોત, તો અત્યારે તું સાચો અને હું ખેાટો ઠરત ! જુએા - આ બધાં પત્રો ! અને એ પત્ર પર છાપેલી એ નીચની મુદ્રા પણ ધ્યાનપૂર્વક જુઓ. એમાંના એક પત્રમાં એણે સ્વામિઘાત માટે કરવા ધારેલા કારસ્થાનનો અથેતિ વૃત્તાંત લખેલો છે, તે પણ વાંચો. એપરની એની પોતાની મહોર જુઓ. રાક્ષસ ! હજી પણ ખેાટું બેાલીને આ ન્યાયાસનને ભ્રષ્ટ શા માટે કરે છે? નીચે ઉતર. અરે નીચ ! તારામાં ન્યાયાસને બેસવાની યોગ્યતા નથી! હવે જો મને કોઈ તારી યોગ્યતા કે તારું નામ પૂછશે, તો તેનું હું એટલું જ ઉત્તર આપીશ કે, રાક્ષસ તે સ્મશાનમાંનો વધસ્તંભ અથવા તો શૂલ છે!”

રાક્ષસ મનમાં ઘણો જ સંતપ્ત થઈ ગયો. આ વિલક્ષણ ગોટાળાને તે જરાપણ જાણી શક્યો નહિ.

—₪₪₪₪—