પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
ન્યાયાધીશ કે અપરાધી?


પ્રકરણ ૩૩ મું.
ન્યાયાધીશ કે અપરાધી?

ર્વતેશ્વરનું એ ભાષણ સાંભળીને રાક્ષસ તો કોપથી લાલ હીંગળા જેવો થઈ ગયો અને એકધ્યાનથી તેના મુખને તાકી રહ્યો. તેનો સંતાપ એટલો બધો વધી ગયો કે, બોલવાની પણ તેનામાં શક્તિ રહી નહિ. ભાગુરાયણ અને ચન્દ્રગુપ્ત ઉભય અર્થપૂર્ણ દૃષ્ટિથી પરસ્પર જોઈ રહ્યા હતા. થોડોક સમય વીત્યા પછી અમાત્ય રાક્ષસની અત્યાર સૂધી બંધ થઈ ગએલી વાચા પુનઃ ચાલતી થઈ - તે બેાલ્યો, “અસત્ય-અસત્ય !!” પરંતુ એટલામાં તેને એમ ભાસ્યું કે, આવા પ્રસંગે પોતાનો સંતાપ બીજાને દેખાડવો, એ યોગ્ય નથી. સંતાપને સંતાડીને શાંતિથી બોલી સર્વ રહસ્ય બહાર કાઢવું, એ જ વધારે સારો માર્ગ છે. એવા વિચારથી મહા મહેનતે તે પોતાના સંતાપને શમાવીને કહેવા લાગ્યો કે, “પર્વતેશ્વર ! મેં એવું એક પણ પત્ર તને લખ્યું નથી. માટે તું આવાં તર્કટી પત્રોનો ભાર મારાપર નાંખીશ, તેથી તારું શું વળવાનું છે? પર્વતેશ્વર ! તું પોતાની નિર્બળતાથી શત્રુઓનો શિકાર થઈ ગયો, તેથી તારી બુદ્ધિમાં ભ્રમ થઈ ગયો છે અથવા તો મારા નામનાં પત્રો લખીને તને કોઈએ ભમાવ્યો છે. એટલા માટે પોતાના અવિચારનો ખેદ કર અને મારાપર દોષારોપ કરવાથી દૂર રહે. જે નીચ લોકોએ તને પ્રપંચથી ફસાવ્યો હોય, તે સઘળાંનાં નામો આપીને તું આ આપત્તિમાંથી છૂટી જા, એટલે ખંડણી લઈને તને તારા દેશમાં જવા દેવામાં આવશે. પછી તે પ્રપંચીઓની જે વ્યવસ્થા કરવાની હશે, તે અમે પોતાની મેળે જ કરીશું. જો એમ નહિ કરે, તો આ પાટલિપુત્રમાંથી તારે જીવતા પાછા જવાની આશા રાખવી નહિ. જે વાત જેવી રીતે બની હોય, તેને તેવા જ રૂપમાં વર્ણવીને તું નિરપરાધી ઠરી જા.”

રાક્ષસનાં એ વચનોથી તો પર્વતેશ્વર વધારે ચીડાયો. “આ નીચે મને ફસાવીને અહીં બોલાવ્યો અને હવે પોતે જ ન્યાયાસન પર ચઢીને મને મેણાં મારે છે. માટે હવે એના પ્રશ્નનોનાં ઉત્તરો આપવાને બદલે ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણને જ જે કાંઈ કહેવાનું છે તે કહી દેવું અને પછી મૌન ધારી બેસી રહેવું” એવો તેણે નિર્ધાર કર્યો અને તે પ્રમાણે તે બન્નેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “અહો ! જે અપરાધી હોય તેને જ ન્યાયાસને બેસાડીને મહત્તા આપવી અને જે તેના કારસ્થાનનો ભેાગ થઈ પડ્યો હોય, તેને પાછો તેના જ હાથે ઉપમર્દ અને છળ કરાવવો, એવો જ આ નન્દના રાજ્યનો પ્રઘાત છે કે શું? અમાત્ય રાક્ષસ એટલે નન્દનો અત્યંત સ્વામિનિષ્ઠ સેવક, એવી આખા