આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
દરિદ્રી બ્રાહ્મણ.


એ નવીન આવેલા બ્રાહ્મણની ધીર અને ગંભીર વાણીનું રાજા ધનાનંદના હૃદયમાં ઘણું જ વિલક્ષણ પરિણામ થયું, અને તેથી તત્કાળ રાજાએ ઊભા થઈને તેને માન આપ્યું તથા બેસવાને પોતાની પાસે જ આસન આપ્યું. એથી તો સભાપંડિતોના કોપનો પાર રહ્યો નહિ. આજ સુધીમાં કોઈ પણ પંડિતને રાજાએ પોતે આવો સત્કાર કર્યો ન હોતો. પ્રથમ કોઈ પણ રાજપંડિત અતિથિપંડિતને આદરથી સભામાં લઈ આવે અને રાજાને તેનાં નામ ગામ ઇત્યાદિ જણાવે, એટલે રાજા ઉઠીને આસન બતાવીને તેને બેસવાની આજ્ઞા આપતો હતો. એ રીતિને કોરાણે મૂકી રાજાએ પોતે જ ઊઠી તેને માન આપીને પોતાની જમણી બાજુએ - એટલે સર્વ પંડિતોના શિરેાભાગે આસન આપ્યું. એ તે દ્વેષી પંડિતોથી કેમ સહન કરી શકાય વારુ? “આ પ્રસંગે જેટલું આ નવા પંડિતને માન મળેલું છે, તેટલું જ એને અપમાન મળવું જોઈએ.” એવો કેટલાક આશ્રિત પંડિતોનો નિશ્ચય થતાં, એ કાર્યને સાધવા માટેની યુકિતઓ તે શોધવા લાગ્યા.

રાજ ધનાનંદે “ક્યાંથી આવ્યા,” ઇત્યાદિ પ્રશ્નો કર્યા અને તેના “હું તક્ષશિલાથી આવ્યો છું.” ઇત્યાદિ વિષ્ણુશર્માએ યથાયોગ્ય ઉત્તરો આપ્યાં. એ વૃત્તાંત સાંભળીને રાજાના આશ્રિત પંડિતોમાંનો એક પંડિત ઊઠીને ઊભેા થયો અને ઘણી જ ગંભીરતાના ભાવથી રાજાને ઉદેશીને કહેવા લાગ્યો કે, “રાજન ! આ નવા આવેલા અતિથિનો આપે આદર સત્કાર કર્યો, એ આપના દાન શુરત્વને યોગ્ય જ છે, પરંતુ તે આદર અથવા દાન પાત્રને અપાય છે કે કુપાત્રને, એનો વિચાર તો અવશ્ય કરવો જ જોઈએ, એટલી જ અમારી નમ્ર પ્રાર્થના છે. યવનરાજાઓ આજ કાલ આર્યરાજાઓના રાજ્યને તાબે કરવાના થાય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે અને એ રાજ્યો ક્યારે પોતાના કબજામાં આવે, એની કાગને ડોળે વાટ જોતા બેઠા છે. અર્થાત્ તેઓ પોતાના ગુપ્ત દૂતોને સર્વત્ર મોકલતા રહે છે. પંચજનોનો સંહાર એવા વિશ્વાસઘાતકી લોકોના ઘાતક કૃત્યોથીજ થયો; નહિ તો યવન રાજાઓ આ ભારતવર્ષમાં આવીને આર્યનો પરાજય કરી પોતે અધિકારી થઈ બેસશે, એ શું લેશમાત્ર પણ સંભવનીય હતું કે? તક્ષશિલા હાલમાં યવનોના તાબામાં છે અને તે જ નગરીમાંથી આ વિપ્રવર્યનું આગમન થયેલું છે. ગઈ કાલે જ તક્ષશિલાનો એક અતિ સુશીલ ગૃહસ્થ યવનરાજાના જુલ્મથી કંટાળીને અહીં આવેલો છે, તેના મુખથી એમ સાંભળવામાં આવ્યું છે કે, યવનરાજા કોઈ એક વિદ્વાન બ્રાહ્મણને અહીં મોકલી અહીંનો ભેદ જાણી લેવાના વિચારમાં છે. એ વિષયનો વિચાર કરીને પછી જે આદરાતિથ્ય કરવું હોય તે કરશો. એ અહીં કોઈને