આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બકરીનું દૂધ કેમ ન લેવાય?" ધર્મપત્નીએ ટાપસી પૂરી ને હું પીગળ્યો. ખરું જોતાં જેણે ગાયભેંસના દૂધનો ત્યાગ કર્યો હોય તેને બકરી વગેરેના દૂધની છૂટ હોવી ન જોઈએ, કેમ કે એ દૂધમાં પદાર્થો એક જ જાતના હોય છે. ફરક કેવળ માત્રાનો જ છે. એટલે મારા વ્રતના અક્ષરનું જ પાલન થયું. તેનો આત્મા તો હણાયો. ગમે તેમ હોય. બકરીનું દૂધ તુરંત આવ્યું ને મેં લીધું. મને નવચેતન આવ્યું. શરીરમાં શક્તિ આવી ને ખાટલેથી ઊઠ્યો. એ અને એવા બીજા અનેક અનુભવો ઉપરથી હું લાચારીથી દૂધનો પક્ષપાતી થયો છું. પણ મરો દ્રઢ વિશ્વાસ છે કે, અસંખ્ય વનસ્પતિઓમાં કોઈક તો એવી છે જ કે જે દૂધ અથવા માંસની સંપૂર્ણ ગરજ સારે અને તેના દોષથી મુક્ત હોય. પણ આ શોધ તો થાય ત્યારે ખરી.

મારી દ્રષ્ટિએ દૂધ અને માંસમાં દોષ તો રહ્યાં જ છે. માંસને સારુ આપણે પશુપંખીનો નાશ કરીએ છીએ. અને માન દૂધ સિવાય બીજા દૂધનો અધિકાર તો આપણને ન હોય. આ નૈતિક દોષ ઉપરાંત બીજા દોષો કેવળ આરોગ્યની દ્રષ્ટિએ રહ્યા છે. બંનેમાં તેના માલિકના દોષો ઊતરે જ છે. પાળેલાં પશુ સામાન્યપણે તંદુરસ્ત નથી હોતાં. જેમ મનુષ્યમાં તેમ પશુઓમાં પુષ્કળ રોગો થાય છે. ઘણી પરીક્ષાઓ થતાં છતાં, ઘણા રોગો પરીક્ષકની નજર બહાર રહી જાય છે. બધાં પશુઓની સારી પરીક્ષા અસંભવિત લાગે છે. મારી પાસે ગૌશાળા છે. મિત્રોની મદદ સહેજે મળી રહે છે. પણ મારાથી ખાતરીપૂર્વક ન કહી શકાય કે, મારી પાસે રહેલાં પશુઓ નીરોગી જ હોય. એથી ઊલટું એમ જોયું છે કે, જે ગાય નીરોગી માનવામાં આવતી હતી તે છેવટે રોગી સિદ્ધ થઈ છે. એ શોધ થતાં પહેલાં તો રોગી ગાયના દૂધનો ઉપયોગ થયો હતો.