આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહેતા નથી. જેમ ભૂસી વિનાનો આટો કે ભૂસી વિનાના ચાવલ તેમ ક્ષારો વિનાની સાકર સમજવી. ખોરાક જે તેની સ્વાભાવિક સ્થિતિમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય.

તાડીનું વર્ણન કરતાં સહેજે મારે નીરાનો ઉલ્લેખ કરવો પડ્યો ને તેને અંગે ગોળનો. પણ શરબ વિશે હજુ કહેવાનું બાકી રહે છે.

શરાબથી થતી બદીનો જેટલો મને કડવો અનુભવ થયો છે, તેટલો જાહેર કામ કરનારા સેવકોમાંના કોઈને થયેલો મારી જાણમાં નથી. દક્ષિણ આફ્રિકામાં ગિરમીટ (અર્ધ ગુલામી)માં જતા હિંદીઓમાંના ઘણાને શરાબ પીવાની આદત પડેલી હોય છે. ત્યાંના કાયદા પ્રમાણે હિંદીથી શરાબ ઘેર ન લઈ જવાય. પીવો હોય તેટલો પીઠા ઉપર જઈને પીએ. બૈરાંઓ પણ તેનો ભોગ થયેલાં હોય છે. તેઓની જે દશા મેં જોઈ એ અત્યંત કરુણાજનક હતી. તે જોનાર કોઈ દિવસ દારૂ પીવાનું સમર્થન ન કરે.

ત્યાં હબસીઓને સામાન્યપણે પોતાની મૂળ સ્થિતિમાં શરબ પીવાની ટેવ નથી હોતી. તેઓનો તો દારૂએ વિનાશ જ કર્યો છે એમ કહી શકાય. ઘણાં હબસી મજૂરો પોતાની કમાણી શરાબમાં હોમતા જોવામાં આવે છે. તેઓનું જીવન નિરર્થક બની જાય છે.

અને અંગ્રેજોનું? સારા ગણાતા અંગ્રેજોને પણ મેં ગટરમાં આળોટતા જોયા છે. આ અતિશયોક્તિ નથી. લડાઈને વખતે જેને ટ્રાન્સવાલ છોડવું પડ્યું હતું એવા ગોરાઓમાંથી એકને મેં મારે ત્યાં રાખ્યો હતો. એ એન્જિનિયર હતો. શરાબ ન પીધો હોય