આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રસ બળી જવાથી જે ઊર્ધ્વરેતા થયા છે તેનું નપુંસકત્વ સાવ જુદું જ છે અને તે સર્વને સારુ ઈષ્ટ છે. આવા બ્રહ્મચારી જવલ્લે જ મળે છે. બ્રહ્મચર્ય-પાલનનું મારું વ્રત સને ૧૯૦૬ની સાલમાં લેવાયું. એટલે તે પ્રયત્નને છત્રીસ વર્ષ થયાં. હું મારી વ્યાખ્યાને પૂર્ણ રીતે નથી પહોંચ્યો, પણ મારી દ્રષ્ટિએ મારી પ્રગતિ સારી થઈ છે ને ઈશ્વરની કૃપા હશે તો પૂર્ણ સફળતા દેહ પડ્યા પહેલાં પણ મળે. મારા પ્રયત્નમાં હું મંદ નથી પડ્યો. બ્રહ્મચર્યની આવશ્યકતા વિશેના મારા વિચાર વધુ દ્રઢ થયા છે એટલું હું જાણું છું. કેટલાક મારા પ્રયોગો સમાજની આગળ મૂકવા જેટલી સ્થિતીએ નથી પહોંચ્યા. જો મને સંતોષ થાય તેટલે અંશે સફળ થશે તો તે સમાજની પાસે મૂકવાની આશા રાખું છું. કેમ કે હું માનું છું કે તેવી સફળતાથી પૂર્ણ બ્રહ્મચર્ય કદાચ પ્રમાણમાં સહેલું થાય.

૧૧-૧૨-'૪૨

આ પ્રકરણમાં જે બ્રહ્મચર્યની ઉપર હું ભાર દેવા માગું છું તે વીર્યરક્ષા પૂરતું છે. પૂર્ણ બ્રહ્મચર્યના જે અમોઘ લાભ છે તે આમાંથી નહીં મળે. છતાં તેની કિંમત જેવી તેવી નહીં હોય,એના વિના પૂર્ણ બ્રહ્મચર્ય અસંભવિત છે.અને એના વિના, એટલે વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું અશક્યવત્ સમજવું. જે વીર્યમાં બીજા મનુષ્યને પેદા કરતી શક્તિ છે તે વીર્યનું ફોકટ સ્ખલન થવા દેવું એ મહા અજ્ઞાનની નિશાની છે. વીર્યનો ઉપયોગ ભોગને સારુ નથી, પણ કેવળ પ્રજોત્પતિને સારુ છે, એ પૂર્ણ પણે સમજાય તો વિષયાસક્તિને સ્થાન જ નથી રહેતું. સ્ત્રી-પુરુષ સંગમ પાછળ બન્ને નરનારી પછડાઈ મરે છે તે બંધ થાય , વિવાહનો અર્થ બદલાય, ને તે જે રીતે આજે જોવામાં આવે છે તે તરફ આપણને તિરસ્કાર છૂટે. વિવાહ એ સ્ત્રી પુરુષ વચ્ચેના હાર્દિક અને આત્મિક