આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનમાં ન હોવું જોઈએ. આ આદર્શ સ્થિતિ છે. તેને ન પહોંચાય અને અનેક અણનોતરેલા વિચારો ચડાઈ કરતા હોય તેથી થાકવું નહીં, પણ શ્રદ્ધાપૂર્વક જપ જપ્યા કરવો. તેને અંતે વિજય છે જ એમ નિશ્ચય પૂર્વક માનવું એટલે વિજય થશે જ.

૨. વિચાર તેમ વાચા ને વાચન વિકારોને શમાવનારા હોવાં જોઈએ. તેથી બોલમાત્ર તોળીને બોલવો, જેને બીભત્સ વિચાર ન આવે તેને મુખેથી બીભત્સ બોલી નીકળે જ નહીં.

વિષયને પોષનારું બહોળું સાહિત્ય પડ્યું છે. તેની તરફ મનને કદી જવા ન દેવું. સદ્ગ્રંથો અથવા પોતાના કાર્યને લાગતા ગ્રંથો વાંચવા, તેનું મનન કરવું. ગણિતાદિને અહીં મોટું સ્થાન છે. દેખીતું છે કે જે વિકારોનું સેવન નથી ઈચ્છતો તે વિકારને પોષે અથવા ધંધાનો ત્યાગ સેવશે.

૩. જેમ મગજ રોકાયેલું હોય તેમ જ શરીર રોકાયેલું હોવું જોઈએ - એવું કે રાત પડ્યે મણસને જે સુંદર થાક ચડેલો હોય તે પથારીમાં પડ્યો કે તુરત તેને નિદ્રાવશ કરે. એવાં સ્ત્રીપુરુષની નિદ્રા શાંત અને નિ:સ્વપ્ન હોય છે. જેટલું ખુલ્લામાં મહેનત કરવાનું મળે તેટલું વધારે સારું. જેને આવી મહેનત જ ન સાંપડે તેવાઓએ અચૂક કસરત કરવી. ઉત્તમોત્તમ કસરત ખુલ્લી હવામાં વેગે ફરવાની છે. ફરતાં મોઢું બંધ હોય, શ્વાસ નાકેથી જ લેવાય. ચાલતાં, બેસતાં શરીર ટટ્ટાર જ હોય. જેમ તેમ બેસવું કે ચાલવું એ આળસની નિશાની છે. આળસમાત્ર વિકારનું પોષક છે. આસનોનો અહીં ઉપયોગ છે. જેના હાથ, પગ, આંખ , કાન, નાક જીભ ઈત્યાદિ પોતાનાં યોગ્ય કામ યોગ્ય રીતે કરે છે, તેની જનનેન્દ્રિય કદી ઉપદ્રવ કરતી જ નથી, એ અનુભવવાક્ય સૌ કોઈ માને એવી આશા રાખું છું.