આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. સામાન્ય ફોડા થયા હોય તેને પણ માટી મટાડે છે. વહેતા ફોડા ઉપર પણ મેં તો માટી મૂકેલી છે. એવા ફોડા ઉપર મૂકવાને સારુ સાફ કપડું લઈ તેને હું પરમૅન્ગેનેટના ગુલાબી પાણીમાં બોળું છું, ને ફોડાને સાફ કરીને ત્યાં માટીની લોપરી મૂકું છું. ઘણે ભાગે ફોડા માટે જ છે. જેને સારુ મેં એ અજમાવેલ છે તેમાં કોઈ નિષ્ફળ ગયેલો કેસ મને યાદ નથી આવતો. ભમરી વગેરેના ડંખમાં માટી તુરત જવાબ આપે છે. વીંછીનાં ડંખમાં મેં માટીનો ખૂબ ઉપયોગ કર્યો છે. સેવાગ્રામમાં વીંછીનો ઉપદ્રવ હંમેશની ચીજ થઈ પડેલ છે. જાણીતા બધા ઈલાજો ત્યાં રાખ્યાં છે. કોઈને વિશે એમ ન કહી શકું કે તે તો અચૂક ફાયદો કરે જ છે. કોઈ ઇલાજોથી માટી ઊતરતી નથી એટલું કહી શકાય.

૧૪-૧૨-'૪૨

સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુને માથા ઉપર, જો માથું દુખતું હોય તો કર્યો છે. તેથી હંમેશાં તાવ ગયો છે એમ ન કહી શકાય, પણ દરદીને તેથી શાંતિ તો થઈ જ છે. ટાઈફૉઈડમાં મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે. તે તાવ તો તેની મુદ્દતે જ જાય છે, પણ માટીએ હંમેશા દરદીની શાંતિ આપી છે, ને બધા દરદીએ માટી માગી લીધી છે. સેવાગ્રામમાં દસેક ટાઈફૉઈડના થઈ ગયા. એક પણ કેસ ખોટો નથી થયો. ટાઈફૉઈડનો ભય સેવાગ્રામમાં નથી રહ્યો. એકેય કેસમાં દવાનો ઉપયોગ નથી કર્યો એમ કહી શકું. માટી ઉપરાંત બીજા નૈસર્ગિક ઉપચારો કર્યા છે ખરા. તે એને સ્થળે આપવા ધારું છું.

માટીનો ઉપયોગ છૂટથી ઍન્ટીફ્લોજિસ્ટીનને બદલે સેવાગ્રામમાં કર્યો છે. તેમાં થોડું તેલ (સરસિયું) ભેળવવામાં આવે છે. એ માટીને સારી પેઠે ગરમ કરવી પડે છે, એટલે તે બિલકુલ નિર્દોષ બની જાય છે.