આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬-૧૨-'૪૨

આ ચાદરસ્નાન શરીરમાં અળાઈ થઈ હોય, શીળસ થયું હોય, બહુ ચળ આવતી હોય,અછબડા નીકળ્યા હોય, માતા નીકળ્યાં હોય તેમાં પણ કામ આપે છે. મેં આ દરદોમાં ચાદરસ્નાનનો છૂટથી ઉપયોગ કર્યો છે. શીતળા કે અછબડામાં મેં પાણીમા ગુલાબી રંગ આવે એટલું પરમૅન્ગેનેટ નાખેલું. ચાદરનો ઉપયોગ થયા પછી તેને ઉકળતા પાણીમાં બોલી, પાણી નવશેકું થયા પછી બરોબર ધોઈ નાખવી જોઈએ.

લોહીનું ફરવું મંદ થઈ ગયું હોય ત્યારે, પગમાં બહુ કળતર થતી હોય ત્યારે બરફ ઘસવાથી ઘણો ફાયદો થયેલો જોયો છે. બરફના ઉપચારની અસર ઉનાળામાં વધારે સારી રીતે થાય છે. શિયાળામાં નબળા માણસની ઉપર બરફનો પ્રયોગ કરવામાં જોખમ હોઈ શકે.

હવે ગરમ પાણીની ઉપચારો વિશે વિચારીએ. ગરમ પાણીના સમજપૂર્વક ઉપયોગથી ઘણા રોગોની શાંતિ થઈ જાય છે. પ્રસિદ્ધ દવા આયોડિન જે કામ કરે છે તેમાંનું ઘણું ખરું ગરમ પાણી કરે છે. સોજો હોય ત્યાં આયોડિન લગાડે છે. તેજ જગ્યાએ ગરમ પાણીનું પોતું મૂકો તો આરામ થવાનો સંભવ છે. કાનમાં દરદ થાય તો આયોડિનનાં ટીપાં નાખે છે. ત્યાં જ ગરમ પાણીની પિચકારી મારવથી શાંતિ થવાનો સંભવ છે. આયોડિનના ઉપયોગમાં કંઈક જોખમ છે, આમાં નથી. આયોદિન ડિસઇનફેક્ટન્ટ (જંતુનાશક ) છે, તેમજ ગરમ એટલે ઉકળતું પાણી ડિસઈનફેક્ટન્ટ છે. આનો અર્થ એમ સૂચવવાને સારુ નથી કે આયોડિન બહુ ઉપયોગિ વસ્તુ નથી. એની ઉપયોગિતા વિશે મને જરાયે શંકા નથી. પણ ગરીબ માણસને ઘેર તે હોતું નથી.