આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩. આકાશ

આકાશનો જ્ઞાનપૂર્વક ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરીએ છીએ. તેનું જ્ઞાન પણ આપણને ઓછામાં ઓછું છે. આકાશ એટલે અવકાશ કહી શકાય. દિવસનાં વાદળાંનું આવરણ ન હોય ત્યારે આપણે ઊંચે નજર કરીએ તો અત્યંત સ્વચ્છ, સુંદર, આસમાની રંગનો ઘૂમટ જોઈએ છીએ. તેને આપણે આકાશ નામે જાણીએ છીએ. તેનું બીજું નામ જ આસમાન છે ના ? એ ઘૂમટને છેડો જ નથી. એ જેટલું દૂર છે એટલું જ આપણી પાસે છે. આકાશથી આપણે ઘેરાયેલા ન હોઈએ તો ગૂંગળાઈને મરી જઈએ. જ્યાં કંઈ નથી ત્યાં આકાશ છે. એટલે આપણે જે દૂર દૂર આસમાની રંગ જોઈએ છીએ તે જ આકાશ છે એમ નથી. આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે, નહીં, તે આપણી અંદર પણ છે. પોલાણમાત્રને આપણે આકાશ નહીં કહી શકીએ. ખરું છે કે જે ખાલી દેખાય છે તે હવાથી ભરેલું છે. આપણે હવાને નથી જોઈ શકતા એ ખરું, પણ હવાને રહેવાનું ઠેકાણું ક્યાં છે ? એ આકાશમાં જ વિહાર કરે છે ના ? એટલે આકાશ આપણને છોડી જ નથી શકતું. હવાને પંપ વતી ઘણે ભાગે ખેંચી શકાય, પણ આકાશને કોણ ખેંચી શકે ? આકાશને ભરી મૂકીએ છીએ ખરા, પણ તે અનંત હોવાથી તેમાં ગમે તેટલા દેહો હોય તે બધા સમાઈ જાય.

એ આકાશની મદદ આપણે આરોગ્ય જાળવવા ને ખોયું હોય તે મેળવવા સારુ લેવાની છે. હવાની વધારેમાં વધારે જરૂર છે, તેથી તે સર્વવ્યાપક છે. પણ હવા બીજા પદાર્થોની સરખામણીમાં વ્યાપક છે, સ્વતંત્ર રીતે નહીં. ભૌતિકશાસ્ત્ર શીખવે છે કે, પૃથ્વીથી અમુક માઈલ પછી હવા નથી મળતી. એમ કહેવાય છે કે,