આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૃથ્વીના જીવો જેવા જીવ હવાના આવરણની બહાર હોઈ જ ન શકે. આ વાત બરોબર હો યા ન હો, આપણે તો અહીં એટલું જ જાણવાનું છે કે, જેમ આકાશ અહીં છે તેમ મજકૂર આવરણની બહાર પણ છે. એટલે સર્વવ્યાપક તો આકાશ છે. પછી ભલે શાસ્ત્રીઓ સિદ્ધ કરે કે એ આવરણની ઉપર ઈથર નામનો પદાર્થ છે, અથવા બીજો કોઈ. તે પણ જેમાં વસે છે તે આકાશ છે. એટલે એમ કહી શકાય કે, જો ઈશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય.

એવું મહાન તત્ત્વ છે તેનો અભ્યાસ ને ઉપયોગ જેટલે અંશે કરી શકીએ તેટલે અંશે આપણે વધારે આરોગ્ય ભોગવીએ.

પ્રથમ પાઠ તો એ છે કે, એ સુદૂર અને અદૂર તત્ત્વની વચ્ચે ને આપણી વચ્ચે કંઈ જ આવરણ ન આવવા દઈએ. એટલે કે, જો ઘરબાર વિના કે વસ્ત્રો વિના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધિ અને આત્મા પૂર્ણ રીતે આરોગ્ય ભોગવે. આ આદર્શને ભલે આપણે ન પહોંચીએ, ભલે કરોડોમાં એક જ પહોંચતો હોય, છતાં એ આદર્શને જાણવો, સમજવો ને તેને આદર આપવો આવશ્યક છે. અને જો તે આદર્શ હોય તો તે તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતિ, ને સંતોષ ભોગવીશું. આ આદર્શને હું છેવટની હદ સુધી રજૂ કરી શકું તો મારે કહેવું જોઈએ કે, આપણે શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વિશે આપણે તટસ્થ રહીએ. એમ મનને કેળવી શકીએ તો શરીરને ભોગની વસ્તુ તો કદી ન બનાવીએ. આપણી શક્તિ ને આપણા જ્ઞાન પ્રમાણે તેનો સદુપયોગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ, તેની સાથે ઐક્ય સાધવા સારુ કરીએ.