આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ વિચારશ્રેણી પ્રમાણે આપણે ઘરબાર, વસ્ત્રાદિના ઉપયોગમાં પુષ્કળ અવકાશ રાખીએ. કેટલાંક ઘરોમાં એટલું રાચરચીલું જોવામાં આવે છે કે મારા જેવો ગરીબ માણસ તેમાં ગૂંગળાઈ જાય, એ વસ્તુઓનો ઉપયોગ ન સમજે. એને મન તો એ બધાં ધૂળ અને જંતુઓને એકઠાં કરવાનાં ભાજન જણાય. અહીં જે સ્થાનમાં હું વસું છું ત્યાં હું તો ખોવાઈ જ જાઉં છું. તેની ખુરશીઓ, કબાટો, મેજો, આરસીઓ મને ખાવા ધાય છે. તેની કીમતી જાજમો કેવળ ધૂળ એકઠી કરે છે. તે ઝીણા જંતુઓનું ઘર બની છે. એક વખત એક જાજમ ખંખેરવા કાઢી. એક માણસનું એ કામ ન હતું; છ-સાત માણસો વળગ્યા. એમાંથી ઓછામાં ઓછી દસ રતલ ધૂળ તો નીકળી જ હશે. જયારે એ પાછી પોતાની જગ્યાએ આવી ત્યારે તેનો સ્પર્શ જ નવો લાગ્યો. હવે આ જાજમ હંમેશાં કઢાય નહીં, કાઢતાં તેની આવરદા ઘટે ને રોજની મહેનત વધે. આ તો મારો તાજો અનુભવ લખી ગયો. પણ મારા જીવનમાં તો આકાશની સાથે મેળ બાંધવા ખાતર મેં અનેક ઉપાધિઓને ઓછી કરી છે. ઘરની સાદાઈ, વસ્ત્રની સાદાઈ, રહેણીની સાદાઈ. એક શબ્દમાં ને આપણા વિષયને લગતી ભાષામાં કહીએ તો, મેં ઉત્તરોઉત્તર મોકળાશ વધારી, આકાશ સાથેનો સીધો સંબંધ વધાર્યો, અને એમ પણ કહી શકાય કે, જેમ એ સંબંધ વધતો ગયો તેમ મારું આરોગ્ય વધતું ગયું, મારી શાંતિ વધી, સંતોષ વધ્યો, ને ધનેચ્છા સાવ મોળી પડી. જેણે આકાશની સાથે સંબંધ બાંધ્યો છે તેને કંઈ નથી ને બધું છે. અંતમાં તો મનુષ્ય એટલાનો જ માલિક બને છે, જેટલાનો તે પ્રતિદિન ઉપયોગ કરી શકે છે ને તે પચાવી શકે છે, એટલે તેના ઉપયોગથી તે આગળ વધે છે. આમ બધાય કરે તો આ આકાશવ્યાપી જગતમાં બધાને સારુ સ્થાન છે ને કોઈને સાંકડનો અનુભવ સરખો નહીં થાય.