આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

________________

૯૮ આત્માના આલાપ

થોડો સમય તે બધાંની સાથે કામ કરીને “તમારી સાથે થોડી વાત કરવાની છે, ભાઈ' કહી સોનીએ રાજારામનને બહાર બોલાવ્યો. રાજારામન હાથ ધોઈને તેમની સાથે બહાર આવ્યા. 'કાંઈક ગુસ્સે થઈને આવ્યા હો એમ લાગે છે.' '............. ' 'બિચારી ! અત્યંત દુઃખી છે. અત્યારે હું જઈને કહીશ કે તમે બહુ સારી રીતે વાત કરી છે, ત્યાર પછી જ તેને ખાવાનું ભાવશે..' સોનીએ આ બધું કહ્યું – સોની આવશે અને તેઓ શું કહેવાના છે એ રાજારામન જાણતો જ હતું; પરંતુ એનો શું જવાબ આપવો, એ તેને સૂઝયું નહિ, તે સાંભળતો ચૂપચાપ ઊભો રહ્યો. 'સાડી પણ હાથમાં ન આપતાં જમીન પર મૂકીને ખસેડી. આ બે દિવસથી તે જે દુઃખ અનુભવે છે એ મારાથી જોયું જતું નથી.' '..............' 'શું ભાઈ ! હું મારે હાંકે જાઉં છું અને તમે તો બોલ્યા વગર ઊભા રહ્યા છે !' 'કામ હતું; એટલે અહીં જ રોકાઈ ગયો. બાકી તે ગમે એ માની બેસે તો હું તેને ક્યાં સમજાવવા આવું?' રાજારામનના આવા જવાબ પરથી હજી તેના મનમાં ગુસ્સો છે, એ સોની સમજી ગયા, 'ભાઈ ! મેં તમને તેને માટે ઘણી વાર કહ્યું છે. તે અસલ સોનું છે. ભેગવાળું સોનું નથી. રોલગોલ્ડ નથી, એ ભાર દઈને કહેવા છતાં તમને મારી વાત પર ભરોસો પડતો નથી. આપણી પાસે આવેલા શુદ્ધ સાચા હૃદયીને ધુત્કારી કાઢનારથી દેશસેવા થઈ શકે નહિં. માણસ વગરનો દેશ નથી...'