આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

________________

આત્માના આલાપ

૧૦૧

ઉપર ગયો ત્યારે મેડો મંદિરના ગર્ભગૃહની જેમ મહેકી રહ્યો હતો. દરરોજ અચૂક ત્યાં ટાંગેલા ફોટાઓને મોગરાનો હાર પહેરાવવામાં આવતો હતો અને અગરબત્તી થતી હતી, એ ત્યાંના વાતાવરણ પરથી તેને સમજાઈ ગયું. એ જ વખતે પાછળના મેડા પરથી મદુરમના વીણા વગાડવાના સૂર આવ્યા તેની સાથે 'નથી જાણતી રામા ભક્તિનો માર્ગ' ગીત હૃદયદ્રાવક કંઠે ગવાતું તેને સંભળાયું. એ વખતે સોની ઉપર આવીને તેની સાથે વાત કરવા માગતા હોય તેમ સંકોચપૂર્વક ઊભો રહ્યા.

'કેમ સોની ! કાંઈ કહેવા માટે આવ્યા હો એમ લાગે છે.'

'કાંઈ નથી. વારેઘડીએ કહેવાથી તમે ગુસ્સે થશો, એવો મને ડર છે, ભાઈ ! 'તેના પર તમને ગુસ્સો નથી' એમ કહીને મેં તેને આશ્વાસન આપ્યું છે. હવે ફરી ગુસ્સામાં કાંઈ બોલીને મદુરમનું મન ન દુભવશો, એટલું જ કહેવા આવ્યો છું...'

'સારું ! જાવ ! હમેશાં તમને આ જ ચિંતા છે, એમ લાગે છે' –

રાજારામને સોની તરફ જોઈને સ્મિત કર્યું. તેના વદન પર, સ્મિત જોઈને સોનીને શાંતિ વળી. તે નીચે ગયા.

પાંચછ દિવસ દરમિયાન ન વાંચેલાં સામયિકો અને પુસ્તકો રાજારામને લઈને ક્રમ પ્રમાણે ગોઠવ્યાં. જૂનાં નવજીવન અને યંગ ઈન્ડિયાના અંકની બાંધેલી ફાઈલ કોઈએ લઈને મેજ પર મૂકી હતી. એ જોઈને કબાટમાંથી કોણે એ બહાર કાઢી હશે, તેણે વિચાર કર્યો. કદાચ મદુરમે કાઢી હશે એવી તેને શંકા ઉત્પન્ન થઈ; પણ તેણે કાઢી નહિ હોય એવું લાગ્યું. માટે સોનીને પૂછી જોવાને વિચાર કરીને, તે ફાઈલો લઈને કબાટમાં મૂકવા ગયો ત્યાં તે તાલબદ્ધ પગલાં ભરતી હોય તેવો, પગનાં ઝાંઝરના રણકાર સાથે દાદર ઊતરવાને અવાજ સાંભળી તે પાછળ ફર્યો. મદુરમ કૉફી લઈને આવતી