આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેમ ગોરસમાંથી [૧] આજ્ય[૨] કાઢે, તેજેમ તક્ર[૩] થયું દહીં;
આત્મા જાણે એમ માયા, વિચારે દીસે નહીં. ૪

ભાઇ કર્મ ગહન તે તિહાં લગેં, જિહા સદ્‍વિચાર નથી ઉપનો,
નવનીત ત્યાં લગે વણસતું [૪], જ્યહાંભેદ ન જાણ્યો તૂપનો[૫]. ૫

તાવ્યૂં માંખણ ધૃત [૬] થયું, પછી તે વણસે નહીં ક્યમે [૭];
તેમ આતમા જાણે નોહે પરાભવ, અણજાગે માયા દમે [૮]. ૬

અંધારૂં દુંખ દે ઘણું, અર્કવિહોણું[૯] જેમ ચક્ષુને;
તેમ આતમા ઉદયે ગહન પલાયેં[૧૦], માયા દમે નહીં પુરુષનેં. ૭

નિદ્રાવાનને સ્વપ્ન હોયે, ભોગ નાના ભોગવે;
અણછતા [૧૧] આણી તે કરે ઊભા, ગહન માયા જોગવે[૧૨]. ૮

જાગ્યો ત્યાં થઇ ચેતના, નિદ્રાસાયે સર્વે પળ્યું [૧૩];
ત્યમ તુરીયાવડે[૧૪] તિમિર[૧૫] ત્રાસે, ચિત્ત ચમક્યું હું તું તે ટલ્યું [૧૬]. ૯

કહે અખો સહુકો સુણો, જેમ દારિદ્રય નથી શ્રીમંતનેં
જો મહાધન હીંડો પામવા, તો સેવો હર-ગુરુ-સંતને. ૧૦



  1. દહીંમાંથી
  2. ઘી
  3. છાશ
  4. વિનાશ પામતું
  5. ઘીનો
  6. ઘી
  7. કોઈ પ્રકારે
  8. દુઃખ દે
  9. સૂર્યવિના
  10. ભાગી જાય
  11. ખોટા
  12. સંબંધથી
  13. દૂર થયું
  14. બ્રહ્મને જાણનારી અંતઃકરણની અવસ્થા વડે.
  15. અજ્ઞાન
  16. ટળી ગયું