આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવનમુકત તેહજ કહાવે, જેહને એહ વૃત્તિ ઉપની;
આકાશવત્ તે રહે સદા, ક્યારેક સ્થિતિ તે રૂપની. ૪

જેમ મહાજલમાંહિલો મકર મોટો, [૧]અંબુ-મધ્ય આઘો રહે;
ઊંચો આવી અલ્પ વરતે, વળિ મહાનિધિ [૨] જાતો રહે. ૫

જીવન્ મુક્ત યોગીશ્વર, એમ વર્તે દેહવિષે;
જેમ નાગને અંગ જરા [૩] પાકી, અળગી થઇ રહી [૪]નખશીખે. ૬

તે ચલણ-વલણ કરે ખરી, પણ અંગથી એકતા ટલી;
તેમ જીવન્ મુક્તને દેહ જાણો, જે, [૫]ભુયંગને કાંચળી. ૭

ઉપની તે સહજમાંહે, અન્ આયાસે અંગથી;
જ્યારે [૬]વીરમીને થયો વેગળો, ત્યારે ભિન્ન દીઠી ભૂજંગથી. ૮

એમ જીવન્ મુકત જાણજો, ભાઇ દેહનો સંગ;
છે ને છે ને નથી સરખી, જેમ દ્રષ્ટાન્ત ફણંગ[૭]. ૯

કહે અખો સહુકો સુણો, એમ જાણો જીવનમુક્તને;
એ દશાને હીંડો પામવા, તો સેવો હરિ–ગુરુ–સંતને. ૧૦


કડવું ૧૪ મું - જીવન્મુકતની દશા - ૨

રાગ ધન્યાશ્રી

વળી કહું સાચા સંત સુજાણજી, જેહને ઉદયો અંતર [૮]ભાણજી;
હરિને બોલે જેહનિ વાણજી [૯], જે ઘટ ઉઘડી [૧૦]વસ્તુની ખાણજી ૧

પૂર્વછાયા

ખાણ ઉઘડી વસ્તુકેરી, તેણે ન્યૂનતા સઘળી ટળી;
અંતર માંહેલો આશય મોટો, તેણે વસ્તુમાંહે જઇ રહે મળી. ૧

જેમ અગ્નિમાંહે લોહ પેઠું, તે લોહમાં અગ્નિ આવિયો;
ત્યારે શિવ શિવ થયું સર્વે, જ્યારે શિવમાં જીવ સમાવિયો. ૨


  1. પાણીમાં
  2. ઉંડા પાણીમાં
  3. વૃદ્ધાવસ્થા
  4. નખથી શિખા સુધી-મુખથી પૂછડી સુધી
  5. સાપને
  6. મૂકી દઈને
  7. સાપ
  8. જ્ઞાનરૂપ સૂર્ય
  9. વાણી
  10. બ્રહ્મરૂપ વસ્તુની