આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૈવલ્યપદ તમે નિજ સ્વરૂપે, ઈશ્વરપદ છે અનંત;
મોટું સામર્થ્ય માયા-કેરૂં, જ્યાં ઉપજે મિથ્યા જંત. ૩

તે જંત બહુ કામના, રસના માટે જીવ;
દેહ-આસક્તિ તેને અતિઘણી જાણે આયુ વધે થૈયે શિવ. ૪

તે પિંડને બહુ પરભવે[૧], અને કરે તે કર્મ ક્લેશ[૨];
ચિરંજીવ [૩] થાવા હીંડે, મોટો મન ઉદ્દેશ[૪]. ૫

ભૂત ભવિષ્ય વાત લહેવા, ઘણું માન [૫] ને કોડ[૬];
ઈશ થાવાને આશ મોહોટી, સાધે પિંડ મનમોહોડ[૭]. ૬

સિધ્ધિકાજે તે કરે, અતિ ઘણા ઉપાય;
અહંતા વાધે અતિ ઘણી, તેણે જીવજાડેરો[૮] થાય. ૭

માયા સાધે મનવડે, જાણે એજ પરમાત્મપદ.
મમતાતણાં તેણે પડલ ચડે, તેમ તેમ વાધે મદ. ૮

એહવા પ્રકાર અજાતપણા, સાધે જીવ અપાર;
નાટકમાં નર નાચ નાચે, એમ સરાહે સંસાર, ૯

કહે અખો પદ-મૂલગે [૯], પહોંચે નહિ એ જંતને;
મર્મ મૂલગો તેજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. સાચવે
  2. કર્મસંબંધી દુઃખ
  3. દીર્ઘજીવી
  4. હેતુ
  5. અભિમાન
  6. હોંસ
  7. મનને રોકીને
  8. સ્થૂળ
  9. મૂળરૂપ પદે