આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અધિષ્ઠાન ઉત્કૃષ્ટ માટે, ચૈતન્યતા ત્યાં અતિ ઘણી;
તેણે અરૂપ ભાસે રૂપસરખું, તેણે અહંતા ઉઠે આફડી[૧]. ૨

તે અહંતા થાય અનંતરૂપે, પ્રોઢી[૨]> થઇને પાંગરે[૩];
તેનો લક્ષ નરને કહું, કો ધીમંત[૪] હૃદયમાં ધરે. ૩

ભાઇ દૃષ્ટાન્ત આવે બુધ્ધિમાં, તો સિધ્ધાન્ત સમજે સહી;
તે દૃષ્ટાન્ત સમજી નવ શકે, તેને ઉકેલ[૫] હોયે નહીં. ૪

જેમ દર્પણ મૂકિયે સામસામા, તે પ્રતિબિંબે[૬] એકએક્માં;
તે અન્યો અન્ય અનંત થાયે, દૃષ્ટ પહોંચે છેકમાં[૭]

તે દર્પણદર્પણમાંહે રચના, દીસે પ્રગટ પ્રમાણ;
એકએકમાં અલગા અલગા. ચંદ[૮]તારા બહુ ભાણ[૯]. ૬

અનંત ભાસે સામસામા, એકના ઉદરમાં એક;
સિધ્ધાંતને તમો એમ જાણો, કહું વસ્તુ-વિવેક. ૭

આદર્શ[૧૦] નિર્મલ અતિઘણું, પરબ્રહ્મસ્થાની[૧૧] તેહ;
તેહમાં અજા આછી[૧૨] અણછતી, ભાઇ આવી ભાસે[૧૩] એહ. ૮

તે અજામધ્ય ઉપાધ્ય[૧૪] બોહળી[૧૫], તે જાણે અહંકૃત્ય[૧૬];
જેમ મુકુરમાં[૧૭] અનંત દીસે રૂપની સંસૃત્ય[૧૮]. ૯

કહે અખો સહુકો સુણો, સંસ્રુત્ય ન ભાસે જંતને;
એ ગીતાનું તે હારદ સ્મઝે, જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. એની મેળે.
  2. મોટી.
  3. અંકુર મેલે.
  4. બુધ્ધિમાન.
  5. સિધ્ધાંત સમજવાનું સામર્થ્ય.
  6. પ્રતિબિંબત થાય.
  7. અંતમાં.
  8. ચંદ્ર.
  9. સૂર્ય.
  10. દર્પણ.
  11. પરબ્રહ્મને ઠેકાણે.
  12. સૂક્ષ્મ.
  13. પ્રતીત થાય.
  14. ઉપાધિ.
  15. ઘણી.
  16. અહંકાર.
  17. દર્પણમાં.
  18. સંસાર.