આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બળ દેખાડે બહુ પરે[૧], શિરે[૨] સામર્થ્ય તે ઘટે. ૬

જેમ અગમ અગાધ અનંત અંબરા[૩], તેમ વસ્તુ અનંત અપાર;
તેને શ્યા સરીખો કહે કવિજન,કહેવું બુધ્ધિઅનુસાર. ૭

જેમ મૃતકની[૪] ગત જાણે મૃતક, જે જન જીવિતિયો[૫] ટળ્યો;
તેમ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે જ્ઞાતા, જે અંતરમાં પાછો વળ્યો. ૮

ભાઇસાને સમજે સંત શૂરા, પણ કર ગ્રહીને નથી આલવા;
એ તો પોતે હુંકારો દે પોતાને, તો જાય કેહને ઝાલવા. ૯

તો કહે અખો સહુકો સુણો, અકળ કળા મહંતને;
મરી જીવ્યાનો મર્મ લેવા, સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૨૪ મું – જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ

રાગ ધન્યાશ્રી

વળિ કહું એક અપૂર્વ સારજી, વણક્રમે[૬] હોય પંથનો પારજી;
જહાં ન લાગે શબ્દ ઉચ્ચારજી, તે જાણવો બોલણહારજી. ૧

પૂર્વછાયા

બોલણહારાનું બોલવું તે, જાણજો જુગતે કરી;
એમ સમજે સિદ્ધાંન્ત થાય, જો જુએ જન પાછો ફરી. ૧

ભાઇ પારાપરથી[૭] શબ્દ ઉઠે, તે જુગતે જાડો થાય;
પાર છે પરમાત્મા તે, સ્વેં ચૈતન્યધનરાય[૮]. ૨

તે મનદ્વારાએ મહાતમ[૯] ધરે, તે મનને ઉઠે કલ્પના;
કલ્પના કામના છે, તે કરે બહુ જલ્પના [૧૦]

  1. પ્રકારે
  2. સરવાળે-પરિણામે
  3. અકાશ
  4. મુએલાની
  5. જીવવાથી
  6. ક્રમ
  7. પરાવાણીની પછવાડેથી
  8. એકરસ ચૈતન્ય
  9. મોટાઈ-સ્થૂળતા
  10. બકવાદ.