આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી નારદેં નારાયણકેરૂં, નિજ જ્ઞાન કહ્યું મહાદ્વિજને[૧];
ત્યારે દ્વૈપાયનની[૨] દાઝ ભાગી, જ્યારે કૃપા કીધી સંતજને. ૮

શિવેં કહ્યું શિવાપ્રત્યેં[૩], નિરાલંબ[૪] નિજધામ[૫]
અમર કીધો આત્મા, અદ્યાપિ[૬] સહસ્ત્ર[૭] નામ. ૯

કહે અખો વસ્તુજ્ઞાનવિના[૮], કુશળ ન હોય જંતને[૯];
નિજધામ હીંડો જાણવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૪ થું - અજ્ઞાની જીવની દુઃખ દશા

રાગ ધન્યાશ્રી

જે જેંતે જ જાણ્યો જે નિજઆતમાજી,
તે ભટક્યો ભર્મ્યો માયાના સાથમાંજી;
રયણીનો[૧૦] ભૂલ્યો ઘર પાસે પ્રાતમાંજી[૧૧]
પણ દિવસે દિશમોડયો[૧૨] ઘણું ભમે રાતમાંજી. ૧

પૂર્વછાયા

રાત્યમાંહે રડવડે, અજ્ઞાને આવર્યો હતો;
તે નિજ આત્માથી ઓતળી[૧૩], વિચરતો માયાવતો[૧૪]. ૧

જેમ સુતો નર નિદ્રાવિષે, માયા[૧૫] બહુ બીજી રચે;
માયાવરણ[૧૬] પોતે થઇ ને, નિદ્રાવશમાંહે[૧૭] પચે[૧૮]. ૨


  1. વ્યાસજીને
  2. વ્યાસજીની
  3. પાર્વતીપ્રીતિ
  4. આલંબનરહિત
  5. સ્વયંપ્રકાસહ સ્વરૂપ
  6. હજી પણ
  7. હજાર
  8. આત્મસ્વરૂપના જ્ઞાન વિના.
  9. પ્રાણીને
  10. રાતનો
  11. સવારમાં
  12. જેને દિશાની ભ્રાંતિ થઇ છે એવો.
  13. વિમુખ થઇને
  14. માયાભણી
  15. સ્વપ્નના પદાર્થો
  16. સ્વપ્નના પદાર્થોને કલ્પનાર.
  17. નિદ્રાને વશ થઇને.
  18. સુખદુઃખનો અનુભવ કરે છે