આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારી યોગમાયાથી ઢંકાયેલો હું બધાંને પ્રકટ નથી. આ મૂઢ મુજ અજન્મા અને અવ્યયને સારી રીતે ઓળખતો નથી. ૨૫.

નોંધ: આ દૃશ્ય જગતને પેદા કરવાની શક્તિ ધરાવતા છતાં અલિપ્ત હોવાને લીધે પરમાત્માનું અદૃશ્ય રહેવાપણું તે તેની યોગમાયા.

હે અર્જુન ! થઈ ગયેલાં, વર્તમાન અને થનારાં બધાં ભૂતોને હું જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. ૨૬.

૨૩

હે પરંતપ ભારત ! ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલ સુખદુઃખ દ્વંદ્વના મોહે કરીને પ્રાણીમાત્ર આ જગતમાં ભુલાવામાં રહે છે. ૨૭.

પણ સદાચારી થવાને કારણે જે લોકોનાં પાપોનો અંત આવ્યો છે ને જે દ્વંદ્વના મોહમાંથી છૂટ્યા છે તે અડગ વ્રતવાળા મને ભજે છે. ૨૮.

જેઓ મારો આશ્રય લઈને જરા અને મરણમાંથી મુક્ત થવા મથે છે તેઓ પૂર્ણબ્રહ્મને, અધ્યાત્મને અને અખિલ કર્મને જાણે છે. ૨૯.

૮૩