આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલા સારુ હંમેશાં મારું સ્મરણ કર અને (કર્મક્ષેત્રમાં) ઝૂઝતો રહે; એમ મારામાં મન અને બુદ્ધિ રાખવાથી અવશ્ય મને પામીશ. ૭.

હે પાર્થ ! ચિત્તને અભ્યાસ વડે સ્થિર કરી બીજે ક્યાંય ન દોડવા દઈને જે એકધ્યાન થાય છે તે દિવ્ય એવા પરમ પુરુષને પામે છે. ૮.

જે મનુષ્ય મરણકાળે અચળ મનથી, ભક્તિભીનો થઈ અને યોગબળે પ્રાણને ભ્રૂકુટીની વચ્ચે સારી રીતે સ્થાપિત કરી સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, સૂક્ષ્મતમ, બધાંના પાલનહાર, અઇંત્ય, સૂર્ય જેવા તેજસ્વી, અજ્ઞાનરૂપી અંધકારથી પર એવા સ્વરૂપનું ઠીક સ્મરણ કરે છે તે દિવ્ય પરમપુરુષને પામે છે. ૯–૧૦.

વેદ જાણનારા જેને અક્ષર નામથી વર્ણવે છે, જેમાં વીતરાગી મુનિઓ પ્રવેશે છે, અને જેની પ્રાપ્તિની ઇચ્છાથી લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પદનું ટૂંકું વર્ણન હું તને આપીશ. ૧૧.

૮૭