આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

ધર્મગ્રંથોનો વિષય છે તેમ ગીતાનોયે છે. પણ આત્માર્થીને આત્મદર્શન કરવાનો, એક અદ્વિતીય ઉપાય બતાવવાનો ગીતાનો આશય છે. જે વસ્તુ હિન્દુ ધર્મગ્રંથોમાં છૂટીછવાઈ જોવામાં આવે છે તેને ગીતાએ અનેકરૂપે, અનેક શબ્દોમાં, પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે સ્થાપિત કરી છે.

એ અદ્વિતીય ઉપાય છે કર્મ-ફળ-ત્યાગ.

આ મધ્યબિંદુની આસપાસ ગીતાની ફૂલગૂંથણી છે. ભક્તિ, જ્ઞાન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળરૂપે ગોઠવાઈ ગયાં છે. દેહ છે ત્યાં કર્મ તો છે જ. તેમાંથી કોઈ મુક્ત નથી. છતાં દેહને પ્રભુનું મંદિર કરી તે દ્વારા મુક્તિ મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે. પણ કર્મમાત્રમાં કંઈક દોષ તો છે જ. મુક્તિ તો નિર્દોષને જ હોય. ત્યારે કર્મબંધનમાંથી એટલે દોષસ્પર્શમાંથી કેમ છૂટાય ? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો: ‘નિષ્કામ કર્મથી,