આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેથી હે કૌંતેય ! જે કરે, જે ખાય, જે હવનમાં હોમે, જે દાનમાં દે, અથવા જે તપ કરે તે બધું મને અર્પીને કરજે. ૨૭.

આથી તું શુભાશુભ ફળ દેનારા કર્મબંધનથી છૂટી જઈશ, અને ફલત્યાગરૂપી સમત્વને પામી, જન્મમરણથી મુક્ત થઈ મને પામીશ. ૨૮.

બધાં પ્રાણીઓને વિશે હું સમભાવે રહું છું. મને કોઈ અપ્રિય કે પ્રિય નથી. છતાં જેઓ મને ભક્તિપૂર્વક ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં છું. ૨૯.

મોટો દુરાચારી પણ જો અનન્યભાવે મને ભજે તો તે સાધુ થયો જ માનવો. કેમ કે હવે એનો સારો સંકલ્પ છે. ૩૦.

નોંધ : કેમ કે અનન્યભક્તિ દુરાચારને શમાવી દે છે.

એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે. હે કૌંતેય ! તું નિશ્ચયપૂર્વક જાણજે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. ૩૧.

૯૮