આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહર્ષિઓમાં ભૃગુ હું છું, વાચામાં એકાક્ષરી ૐ હું છું, યજ્ઞોમાં જપયજ્ઞ હું છું, અને સ્થાવરોમાં હિમાલય હું છું. ૨૫.

બધાં વૃક્ષોમાં અશ્વત્થ (પીપળ) હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, ગાંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલમુનિ છું. ૨૬.

અશ્વોમાં અમૃતમંથનને ટાણે ઉત્પન્ન થયેલ ઉચ્ચૈઃશ્રવા મને જાણ. હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા હું છું. ૨૭.

હથિયારોમાં વજ્ર હું છું, ગાયોમાં કામધેનુ હું છું, પ્રજોત્પત્તિનું કારણ કામદેવ હું છું, સર્પોમાં વાસુકિ હું છું. ૨૮.

નાગોમાં શેષનાગ હું છું, જલચરોમાં વરુણ હું છું, પિતરોમાં અર્યમા હું છું, અને નિયમનમાં રાખનારાઓમાં યમ હું છું. ૨૯.

દૈત્યોમાં પ્રહ્‍લાદ હું છું, ગણનારાઓમાં કાલ હું છું, પશુઓમાં સિંહ હું છું, પક્ષીઓમાં ગરુડ હું છું. ૩૦.

૧૦૫