આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાત્ત્વિક ભાવવાળાનું સત્ત્વ હું છું. ૩૬.

નોંધ : છલ કરનારનું દ્યૂત હું છું એ વચનથી ભડકવાની જ્રરૂર નથી.અહીં સારાસારનો નિર્ણય નથી, પણ જે કંઈ થાય છે તે ઈશ્વરની રજા વિના નથી થતું એ બતાવવાનો ભાવ છે. અને છલ કરનાર પણ બધું તેને વશ છે એમ જાણીને પોતાનું અભિમાન છોડે ને છલને ત્યજે.

યાદવકુળમાં વાસુદેવ હું છું, પાંડવોમાં ધનંજય (અર્જુન) હું છું, મુનિઓમાં વ્યાસ હું છું, અને કાન્તદર્શી કવિઓમાં ઉશના (શુક્રાચાર્ય) હું છું. ૩૭.

રાજ્યકર્તાનો દંડ હું છું, જય ઇચ્છનારની નીતિ હું છું, ગુહ્ય વાતોમાં મૌન હું છું, અને જ્ઞાનવાનનું જ્ઞાન હું છું. ૩૮.

હે અર્જુન ! બધાં પ્રાણીઓની ઉત્પત્તિનું જે કાંઈ બીજ છે તે હું છું. જે કંઈ સ્થાવર અથવા જંગમ છે તે મારા વિનાનું નથી. ૩૯.

હે પરતંપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. વિભૂતિનો આટલો વિસ્તાર મેં કેવળ દૃષ્ટાંતરૂપે જ કહ્યો છે. ૪૦.

૧૦૭