આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાણનાર પણ છો ને જાણવાયોગ્ય વસ્તુ પણ છો. તમે પરમધામ છો. હે અનંતરૂપ ! આ જગતને તમે વ્યાપી રહ્યા છો. ૩૮.

વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચન્દ્ર, પ્રજાપતિ, પ્રપિતામહ તમે જ છો. તમને હજારો વાર નમસ્કાર હજો. વળી ફરી પણ તમને નમસ્કાર હજો. ૩૯.

હે સર્વ ! તમને આગળ, પાછળ, બધી બાજુએ નમસ્કાર. તમારું વીર્ય અનંત છે, તમારું પરાક્રમ અપાર છે, તમે જ સર્વ આવરી રહેલા છો. તેથી તમે સર્વ છો. ૪૦.

તમારો આ મહિમા ન જાણતાં ગોઠિયો ગણીને 'હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખા !' એમ બોલાવીને મારાથી ભૂલમાં કે પ્રેમમાં પણ જે અવિવેક થયો હોય, અને વિનોદાર્થે રમતાં, સૂતાં, બેસતાં કે ખાતાં; એકલા કે ઘણાની વચ્ચે તમારું જે કંઈ અપમાન થયું હોય તે ક્ષમા કરવા, અકળરૂપ એવા તમને હું વીનવું છું. ૪૧-૪૨.

૧૧૮