આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રકૃતિને વિશે રહેલો પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણોને ભોગવે છે,અને આ ગુણસંગ જ સારીનરસી યોનિમાં તેના જન્મનું કારણ બને છે. ૨૧.

નોંધઃ પ્રકૃતિને આપણે માયાને નામે લૌકિક ભાષામાં ઓળખીએ છીએ. પુરુષ તે જીવ છે. માયાને એટલે કે મૂળ સ્વભાવને વશ વર્તીને જીવ સ્ત્ત્વ, રજસ્ અથવા તમસ્ થી થતાં કાર્યોનાં ફળ ભોગવે છે અને તેથી કર્મ પ્રમાણે પુનર્જન્મ પામે છે. આ દેહને વિશે રહેલો તે પરમ્પુરુષ, સર્વસાક્ષી, અનુમંતા (અનુમતિ દેનારો), ભર્તા, ભોક્તા, મહેશ્વર અને પરમાત્મા પણ કહેવાય છે. ૨૨.

જે મનુષ્ય આમ પુરુષને અને ગુણમયી પ્રકૃતિને જાણે છે તે સર્વ રીતે કાર્ય કરતો છતો ફરી જન્મ પામતો નથી. ૨૩.

નોંધઃ ૨, ૯, ૧૨ અને ઇતર અધ્યાયોની સહાયથી આપણે જાણી શકીએ છીએ કે આ શ્લોક સ્વેચ્છાચારનું સમર્થન કરનારો નથી પણ ભક્તિનો મહિમા સૂચવનારો છે. કર્મમાત્ર જીવને બંધનકારક છે, પણ માણસ જો પોતાનાં બધાં કર્મો પરમાત્માને અર્પણ કરે તો તે બંધનમુક્ત થાય છે.

૧૩૩