આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

સારુ ગમે તે સાધનનો ઉપયોગ કરે છે, ને તેને ધર્મ માને છે.


ફલાસક્તિનાં આવાં કડવાં પરિણામોમાંથી ગીતાકારે અનાસક્તિનો એટલે કર્મફલત્યાગનો સિદ્ધાન્ત ઘટાવ્યો ને જગતની પાસે અતિશય આકર્ષક ભાષામાં મૂક્યો. સામાન્ય માન્યતા એવી હોય છે કે ધર્મ અને અર્થ પરસ્પર વિરોધી વસ્તુ છે. “વ્યાપાર ઈત્યાદિ લૌકિક વ્યવહારમાં ધર્મ સચવાય નહીં, ધર્મને સ્થાન હોય નહીં; ધર્મનો ઉપયોગ કેવળ મોક્ષને અર્થે કરાય, ધર્મને સ્થાને ધર્મ શોભે, અર્થને સ્થાને અર્થ.” મારી મતિ પ્રમાણે, ગીતાકારે આ વહેમને દૂર કર્યો છે. તેણે મોક્ષ અને વ્યવહાર વચ્ચે આવો ભેદ રાખ્યો નથી. પણ વ્યવહારમાં ધર્મને ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ નથી એવી સૂચના ગીતામાં છે એમ મને લાગ્યું છે. એટલે ગીતાના અભિપ્રાય પ્રમાણે જે કર્મ આસક્તિ વિના થઈ જ ન શકે એવાં હોય તે બધાં ત્યાજ્ય છે. આવો સુવર્ણ નિયમ મનુષ્યને અનેક ધર્મસંકટોમાંથી બચાવે