આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આત્માનંદ, આત્મપ્રકાશ, તેથી ઊલટું તે દુઃખ. ૧૭મા શ્લોકમાં આ સ્પ્ષ્ટ થાય છે.

સત્ત્વગુણમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. રજોગુણમાંથી લોભ, અને તમોગુણમાંથી અસાવધાની, મોહ અને અજ્ઞાન નીપજે છે. ૧૭.

સાત્ત્વિક મનુષ્યો ઊંચે ચડે છે, રાજસી મધ્યમાં રહે છે અને છેલ્લા ગુણવાળા તામસી લોકો અધોગતિને પામે છે. ૧૮.

તત્ત્વદર્શી જ્ઞાની જ્યારે જુએ છે કે ગુણો સિવાય બીજો કોઈ કર્તા છે જ નહીં અને જ્યારે તે ગુણોથી જે પર છે તેને જાણે છે ત્યારે તે મારા ભાવને પામે છે.૧૯.

નોંધઃ ગુણોને જ કર્તા તરીકે જોનારાને અહંભાવ હોય નહીં. તેથી તેનાં કામ બધાં સ્વાભાવિક હોય, અને શરીરયાત્રા જોગાં જ હોય. અને શરીરયાત્રા પરમાર્થને કાઅરણે જ હોવાથી તેના કાર્યમાત્રમાં નિરંતર ત્યાગ અને વૈરાગ્ય જ હોવાનાં.આવો જ્ઞાની સહેજે ગુણોથી પર એવા નિર્ગુણ ઈશ્વરને કલ્પે, ઓળખે ને ભજે.

૧૪૧