આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આહાર પણ મનુષ્યને ત્રણ પ્રકારે પ્રિય હોય છે. તેમ જ યજ્ઞ, તપ તથા દાન પણ ત્રણ પ્રકારે પ્રિય હોય છે. તેમનો આ ભેદ તું સાંભળ. ૭.

આયુષ્ય, સાત્ત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસદાર, ચીકણા, પૌષ્ટિક, ને ચિત્તને સંતોષ આપનારા આહાર સાત્ત્વિક લોકોને પ્રિય હોય છે. ૮.

તીખા, ખાટા, ખારા, બહુ ગરમ, તમતમા, લૂખા, બાળે એવા આહાર રાજસ લોકોને ગમે છે, [જોકે] તે દુઃખ, શોક ને રોગ પેદા કરનારા છે. ૯.

પહોર લગી પડી રહેલું, ઊતરી ગયેલું,ગંધાતું, રાતવાસી, એઠું, અપવિત્ર ભોજન તમાસ લોકોને પ્રિય હોય છે. ૧૦.

જેમાં ફળની અપેક્ષા નથી, જે વિધિપૂર્વક કર્તવ્ય સમજી, મનને તેમાં પરોવીને થાય છે તે યજ્ઞ સાત્વિક છે. ૧૧.

૧૬૨