આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાગ કરીને, રાગદ્વેષ જીતીને, એકાંત સેવીને, આહાર અલ્પ કરીને, વાચા,કાયા ને મનને અંકુશમાં રાખીને,ધ્યાનયોગમાં નિત્ય પરાયણ રહીને, વૈરાગ્યનો આશ્રય લઇને, અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને, મમતારહિત અને શાંત થઇને બ્રહ્મભાવને પામવા યોગ્ય છે. ૫૧-૫૨-૫૩.

આવી રીતે બ્રહ્મભાવને પામેલો પ્રસન્નચિત્ત મનુષ્ય નથી શોક કરતો, નથી કંઈ ઇચ્છતો; ભૂતમાત્રને વિશે સમ-ભાવ રાખીને મારી પરમ ભક્તિને પામે છે.૫૪.

હું કેવડો છું અને કોણ છું એ ભક્તિ વડે એ યથાર્થ જાણે છે અને એમ મને યથાર્થપણે જાણ્યા પછી મારામાં પ્રવેશ કરે છે. ૫૫.

મારો આશ્રય લેનાર સદાય સર્વ કર્મ કરતો રહ્યો છતો મારી કૄપા વડે શાશ્વત, અવ્યયપદને પામે છે. ૫૬.

૫૫

મનથી બધાં કર્મોને મારે વિશે અર્પણ કરી, મારામાં પરાયણ થઇ, વિવેકબુધ્ધિનો આશ્રય લઇ નિરંતર મારામાં ચિત્ત પરોવ.૫૭.

૧૭૮