આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારામાં ચિત્ત પરોવવાથી મુશ્કેલીઓ રૂપી બધા પહાડો મારી કૃપાથી તું ઓળંગી જઇશ, પણ જો અહંકારને વશ થઇ મારું નહિ સાંભળે તો નાશ પામીશ. ૫૮.

અહંકારને વશ થઇ 'નહિ લડું' એમ તું માને તો એ તારો નિશ્ચય મિથ્યા છે. તારો સ્વભાવ જ તને તે તરફ બળાત્કારે લઇ જશે.૫૯.

હે કૌંતેય! સ્વભાવજન્ય પોતીકા કર્મથી બંધાયેલો તું, મોહને વશ થઇ જે નથી કરવા ઇચ્છતો, તે પરાણે કરીશ. ૬૦.

હે અર્જુન! ઈશ્વર બધાં પ્રાણીઓનાં હૃદયમાં વાસ કરે છે; અને પોતાની માયાને બળે તેમને, ચાક ઉપર ચડેલા ઘડાની જેમ, ચકરચકર ફેરવે છે. ૬૧.

હે ભારત! સર્વભાવથી તું તેનું જ શરણ લે. તેની કૃપા વડે તું પરમ શાંતિમય અમરપદને પામીશ. ૬૨.

૧૭૯