આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક તો આપ પોતે, [પછી] ભીષ્મ, કર્ણ, યુદ્ધમાં જયવાન એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા. ૮.


એ ઉપરાંત બીજા પણ ઘણા શૂરાઓ મારે અર્થે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઊભેલા છે. તેઓ સઘળા વિવિધ પ્રકારનાં શસ્ત્રો વાપરનારા અને યુદ્ધમાં કુશળ છે. ૯.

[છતાં] ભીષ્મે રક્ષેલી આપણી સેનાનું બળ અપૂર્ણ છે, જ્યારે ભીમથી રક્ષિત તેમની સેના પૂરી છે. ૧૦.

તેથી તમે બધા પોતપોતાને સ્થાનેથી બધે માર્ગે ભીષ્મ પિતામહની રક્ષા બરાબર કરજો. ૧૧. [આમ દુર્યોધને કહ્યું પણ દ્રોણાચાર્યે જવાબમાં કશું જ કહ્યું નહીં.]

[संजय कहे छे :]

એવામાં, કુરુઓના વડા પ્રતાપી ભીષ્મ પિતામહે તેને હર્ષ પમાડવા, ઊંચે સ્વરે સિંહનાદ કરીને શંખ વગાડ્યો. ૧૨.

એ ઉપરથી શંખો, નગારાં, ઢોલ, મૃદંગ અને રણશિંગાં એકસાથે વાગી ઊઠ્યાં. એ અવાજ ઘનઘોર હતો. ૧૩.