આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨

જો તું બહાર નીકળી જ પડેલ છે તે હવે નિષ્કપટ, નિર્દંભી રહીને નિ:સીમ સૃષ્ટિમાં ઉદ્યમ ખેડજે.

હજી શું બાકી હશે (પા. ૭) : અસલનું એક આગમ-ભજન છે:

'દેવાયત પંડિત દા'ડા દાખવે
'સુણો તમે દેવલદે નાર
'આપણા ધણીએ સત ભાખિયાં
'જૂઠડાં નહિ રે લગાર
‘લખ્યા રે ભાખ્યા રે એ દિન આવશે.”

એ ભજનમાં 'ઓતર થકી રે સાયબો આવશે’ એવા કોઈ પૃથ્વીપાપ ધોવા આવનાર પુરૂષની આગાહી છે.

સર્જનસંહારની જોડલી (પા.૮) : સર્જનને, રચનાશક્તિને અહીં ‘બાળી' એટલે બાલિકારૂપે કલ્પી છે. એટલે જ એ પા પા પગલાં-નાનાં પગલાં માંડે છે. રચનાકાર્યને હમેશાં સમય લાગે છે. આખરે 'સંહાર ધા દેતો ધાયો,' કેમ કે એણે કરેલા વિનાશ પર તો સર્જનશક્તિએ નવનિર્માણ કર્યું. આખરે તો એ પોતે ય નાસીને જાય કયાં ? ચોમેર સર્જનનાં યશોગાન સંભળાયાં. પોતે પરાજય પામ્યો એટલું જ નહિ પણ નાસી જઈ ન શકવાથી સર્જનને જ શરણે આવ્યો.

અદીઠી આગના ઓલવનારા (પાનું ૧૦) : શરાબખોરી એ કલેજાને જલાવતી અદૃશ્ય આગ છે. એને ‘ભીતરની ભઠ્ઠી’ કહી, ‘આત્માની તુરંગ (જેલ)’ કહી. ‘જમરખ (દીવડો)'=યમથી રક્ષા કરનાર.

હિન્દીજન (૧૪) : “વૈષ્ણવ જન તો તેને કહીએ' એ સુપ્રસિદ્ધ પદની હળવી અનુકૃતિ ('પેરોડી) છે. અસલની કેટલીક કડીઓનું અનુકરણ કર્યું છે તે મેળવી જોવા જેવું છે.