આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૭ )

રંગ ઘણો સફેદ હતો, તેનું મ્હોં જરા લંબગોળ હતું; અને નાક કાન પણ ઘણાં ઘાટદાર હતાં. તેની આંખ ચપળ તથા બુદ્ધિના તેજવાળી હતી, આ ગૃહસ્થ જાતે નાગર બ્રાહ્મણ હતો, અને તેનું નામ માધવ હતું, તે કરણરાજનો મુખ્ય પ્રધાન હતો. તેણે પોતાના બુદ્ધિબળે તે રાજા ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પુછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તે જ કરતો. રાજા તો પુતળા જેવો હતો, અને ખરેખરો રાજા પોતે જ હતો, એ કારણથી સઘળા લોકો તેનાથી દબીને ચાલતા, તેને માન આપતા, અને તેને ખુશ કરવાને વાસ્તે જ ઘણાએક આ પ્રસંગે તેના ઘરમાં એકઠા થયા હતા.

હવનનું કામ હવે પુરું થવા આવ્યું, છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગૃત કીધો, બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા. સઘળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા. સઘળે ગડબડાટ થઈ રહી, કુંડમાંથી અગ્નિનો ભભુકો ઉઠયો, અને માતાનું છેલ્લું બલિદાન આપવામાં આવ્યું, તે ક્ષણે “જે અંબે” “અંબે માતકી જે” એવો મોટો પોકાર પડ્યો. નાનાં નાનાં છોકરાંઓ પોતાની જગો ઉપરથી ઉઠીને કુદવા લાગ્યાં, થોડીવાર પછી સઘળું શાંત થયું એટલે વિજીયાદત્ત પંડ્યા જે માધવનો કુળગોર હતો તે ચાંલ્લાની કુંકાવટી, હવનની આશકા તથા પ્રસાદ લઈને ઉઠ્યો. ગોર મહારાજને આવા શ્રીમંત યજમાન મળેલા તેથી તેને પૈસાની કંઈ ખોટ ન હતી, તે શરીરે ઘણો સ્થૂલ હતો, અને તેનું પેટ એટલું તો મોટું હતું કે તેમાં સાત લાડુ ગોઠવાય તો પણ થોડી ખાલી જગા રહે. તેણે બાયડીઓને તથા ભાયડાઓને ચાંલ્લા કીધા, તે ઉપર ચોખા ચોડ્યા, હવનની આશકા આપી, આશિર્વાદનો મંત્ર ભણી, થોડો થોડો પ્રસાદ સઘળા મોટી ઉમરવાળાને વહેંચ્યો. પછી નાનાં નાનાં છોકરાંને પોતાની પાસે બોલાવી. તેઓને કુદાવ્યાં, નચાવ્યાં તથા ખાવાની લાલચને વાસ્તે કુતરાંની પેઠે ગેલ કરાવી પ્રસાદ એકદમ ઉડાવ્યો, એટલે તેઓ ભોંય ઉપર પડી સાંભરવા મંડ્યાં. તે વખતની તેઓની બુમાબુમ, પ્રસાદ લેવાને માટે મારામાર અને હડસેલા હડસેલી, અને માતાનું નૈવેદ પગતળે છુંદાય નહી તે