આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮ )

બાબતની તેમની ફિકર, તથા જેઓએ વધારે જબરાં હોવાને લીધે વધારે પ્રસાદ લીધો તેઓનો હરખ, અને જે બીચારાંની પાસે થોડો આવ્યો તેઓની દિલગીરી એ સઘળું જોઈને બીજાં બધાંને ઘણી જ ગમત થઈ. પ્રસાદ વહેંચાઈ રહ્યો એટલે તમામ છોકરાં વેરાઈ ગયાં, તથા હવન પૂરો થયો, એટલે ઘણા ખરા જોવા આવેલા લોકો પોતપોતાને ઘેર ગયા. બઈરાં પોતાને ધંધે વળગ્યાં, બ્રાહ્મણો દક્ષિણા લઈ અનાજ વિગેરે જે કાંઈ મળ્યું તે ધોતીયાને છેડે બાંધી લઈ બીજે ઠેકાણે હવન કરાવવા ગયા, તે ઠેકાણે માત્ર માધવ પ્રધાનજી, જેઠાશા શાહુકાર, ભાણો પટેલ, તથા વિજીયાદત્ત પંડ્યા બેશી રહ્યા. તેઓને માધવની સાથે મિત્રાચારીનો દાવો તથા તેઓ શહેરના મુખ્ય માણસ તેથી બીજા પારકા લોકોની પેઠે તુરત ઉઠી જવું તેઓને યોગ્ય લાગ્યું નહી તેથી તેઓ પ્રધાનજીના પાટલા પાસે ગાદી માંડી હતી ત્યાં તકીએ અઢેલીને બેઠા. થોડી વાર ચુપ બેઠા પછી માધવ બોલ્યો. “ગોરમહારાજ, હવન સારી પેઠે તો કીધો છે ? કાંઈ ગડબડ ગોટા તો વાળ્યા નથી? કેમકે આજે ઘણે ઠેકાણે હવન થવાના, અને તમારી નજર તમારા બ્રાહ્મણોને જેમ બને તેમ રળાવવાની એટલે કદાચ ગડબડ થઈ હોય, તમે કરો એવા તો નથી, તોપણ અમથું પુછું છું. ક્રોધ લાગે તો ક્ષમા કરજો.”

આવા બોલ સાંભળીને ગોરમહારાજને ક્રોધ તો ચઢ્યો. પોતે માતા ઉપર અનાસ્થા રાખી પોતાના જાતભાઈઓનો ફાયદો કરવા ઉતાવળ કરી, કર્મ બરાબર કરાવ્યું નહી એવી યજમાનને શંકા ઉત્પન્ન થઈ તેથી જીવને જરા દિલગીરી પણ થઈ, પણ પ્રધાનજીના ગોર રાજદરબારમાં જનારા, તથા મોટાની ચાકરીમાં નીચાએ કેવી રીતે વર્તવું એ વિશે તેણે ઘણીએક વાર સાંભળેલું તેથી તેને પોતાની મનોવૃત્તિઓ ઉપર અખતિઆર રાખવાની ટેવ પડી હતી, તેથી ગુસ્સો દબાવી દઈને તથા મ્હોં જેવું શાંત હતું તેવું રાખીને જવાબ દીધો, “યજમાનરાજ ! આવી વાત તમે કોઈ દહાડો મારી આગળ કીધી નથી, અને આજે આવાં વચન તમારા મ્હોમાંથી નીકળેલાં સાંભળીને મને ઘણું આશ્ચર્ય લાગે છે, અને તમારી