આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦ )

ચોક અથવા બીજી ખુલ્લી જગામાં બેસે તો તેના માથા ઉપરથી તે રથ ફરી જાય, અને તેને તે વર્ષમાં કોઈ રોગ થયા વિના રહે નહી. એ સિવાય માતા આગળનો દીવો તથા તેને લગતી ઘણીએક વસ્તુઓમાં હોંશિયારી રાખવાની છે. આ પ્રમાણે હું દેવીનું મહાત્મ તથા પરતો જાણું છું તે છતાં હવન કરવામાં ગડબડ કરું એ વાત કાંઈ સંભવિત છે? બાપજી ! તમે બ્રાહ્મણના રળતરની વાત કહી તે સાંભળીને મારૂં હૈયું ઉભરાઈ આવે છે. બ્રાહ્મણોના તો દહાડા ગયા, અને તેઓની કમાઈ સુકાઈ ગઈ, શી વાત કહેવડાવો છો? બાપજી ! બ્રાહ્મણો બિચારાનું હમણાં કાંઈ વળતું નથી. યુગ બદલાઈ ગયો, રાજા અને પ્રજા એ બંનેમાંથી ભક્તિ ઉઠી ગઈ. પરમેશ્વર ન કરે પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. લાહોર અને દિલ્લી તરફ મ્લેચ્છ લોકો હિન્દુ રાજાઓની ધુળધાણી કરતા જાય છે. એ જ પાપે સોમનાથ મહાદેવનું ખંડન થયું, અને આ દેશના રાજાની પણ ઘણી દુર્દશા થઈ, પણ હજી આગલા રાજાનાં સુકૃત આડા આવે છે, અને તેથી દેશનું રક્ષણ થાય છે. તમારા સરખા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પ્રધાનજી છે એટલે આ રાજ્યમાંના બ્રાહ્મણોને બેશક લાભ છે જ. આગલા રાજાની તો શી વાત થાય ? સાંભળો, મહારાજ ! હું એક દૃષ્ટાંત આપું.

જ્યારે મૂળરાજ વૃદ્ધ થયો ત્યારે તેનાં પાપથી મુક્ત થવાને તથા શુદ્ધિ પ્રાપ્ત કરવાને શ્રીસ્થળ (સિદ્ધપુર) ગયો. બધાં તીર્થમાં શ્રીસ્થળ વધારે પવિત્ર ગણાય છે તે લક્ષ્મી આપનાર છે, અને જે તેને જોય છે તેનો ઉદ્ધાર થાય છે. ગયાજીથી સ્વર્ગ ત્રણ યોજન આઘું છે. પ્રયાગથી દોઢ યોજન છે, પણ શ્રીસ્થળ જ્યાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે ત્યાથી તો તે એક જ હાથ આધું છે એમ લોકો માને છે, એ તીર્થે તેણે સઘળાં પવિત્ર સ્થળોથી બ્રાહ્મણોને બોલાવ્યા, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ થાય છે ત્યાંથી એકસો ને પાંચ બ્રાહ્મણ આવ્યા, સો સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા; બસેં કન્યાકુબજમાંથી, સૂર્ય સરખા તેજસ્વી સો કાશીથી; બસેં ને બોત્તેર કુરૂક્ષેત્રથી, ગંગાદ્વારથી સો, નૈમિષારણ્યથી સો; અને કુરૂક્ષેત્રથી વળી વધારે એકસો બત્રીશ આવ્યા. રાજાએ બ્રાહ્મણોની આગળ સાષ્ટાંગ દંડવત કીધા, અને તેઓએ તેને આશિર્વાદ દીધો.