આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫ )


માધવે આ સઘળી વાત ઘણું મન દઈને સાંભળી. જો બને તો તે પ્રમાણે કરી લોકોની પ્રીતિ સંપાદન કરવી એ તેની મુખ્ય મતલબ હતી. માધવનું પ્રધાનપણું કાંઈ તેના બાપદાદાથી ઉતરેલું ન હતું. તે કોઈ ગરીબ માણસનો છોકરો વડનગર શહેરમાં જન્મ્યો હતો, અને તેની ઉમર સોળ વર્ષની થઈ ત્યારે તે ધંધો શોધવાને પાટણમાં આવ્યો હતો. પહેલાં તે લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. ત્યાં ચાલાકી, હોંશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી, ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી તેમાં માધવની હોંશીયારીથી તથા કાવત્રાંથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો, અને કરણ રાજાએ ગાદી ઉપર નિર્ભય થતાં જ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. દરેક રાજ્યમાં મુખ્ય પ્રધાનની પદવી ઘણી ભારે તથા જોખમ ભરેલી હોય છે. રાજા તથા રૈયત બંનેને એકી વખતે ખુશ કરવાનું કામ હમેશાં મુશ્કેલ થઈ પડે છે. માધવ તે સઘળું સમજતો હતો. તેને લોકોમાં વહાલા થવાની તથા પોતાનું નામ લોકોને વાસ્તે સારાં તથા ઉપયોગી કામો કરી, અમર કરી લેવાની ઘણી હોંસ હતી; તો પણ રાજાની મહેરબાની તે જ તેના અધિકારનો પાયો છે, એમ તે સારી પેઠે જાણતો હતો. તેથી ગમે તે પ્રકારે રાજાને રાજી રાખવાનો તેણે દૃઢ નિશ્ચય કીધો હતો. આગલા રાજાઓમાંના કેટલાએકના પ્રધાન વાણીયા હતા તેથી તે લોકો માનતા હતા કે માધવને પ્રધાનપદ મળ્યાથી તેમનો હક્ક ખેાટો થયો, માટે હરેક પ્રસંગે રાજાની આગળ માધવની તેઓ ચાડી કરતા હતા. તેની સામે માધવને ઘણી યુક્તિઓ કરવી પડતી હતી, એ બધું કરવાની સાથે પોતાને વાસ્તે દ્રવ્ય એકઠું કરવા તરફ પણ તેની ઘણી નજર હતી, કેમકે તેનું પ્રધાનપણું કાયમ રહેશે એવો એક ક્ષણવાર પણ તેને પાકો ભરોસો ન હતો. હવે પૈસા તો મેળવવા અને સાધન તો થોડાં તેથી તે ઘણીવાર મોટા વિચારમાં પડતો હતો. રાજ્યની મર્યાદા ઉત્તર તરફ અચળગઢ તથા ચંદ્રાવતી,