આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬ )

પશ્ચિમ તરફ મોઢેરા તથા જિંજુવાડા, પૂર્વ તરફ ચાંપાનેર તથા ડભોઈ અને દક્ષિણ તરફ છેક કોંકણ સુધી હતી, પણ ભોળા ભીમદેવના મરણ પછી રાજ્યમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી. અચળગઢના પરમાર રાજાઓ ખંડણી બરાબર આપતા ન હતા. બીજા ખંડીયા રાજાઓ પણ નામની તાબેદારીમાં હતા. તેથી જો કરણ રાજા શૂરો નીકળે, અને રાજધાનીનું સુખ મુકી તલવાર બાંધી આગળ પડે, તો જ રાજ્યની આગલી કીર્તિ પાછી આવે. પણ તેમ થવાને ઘણો સંભવ ન હતો. જો કરણ જય કરી આવે, જો કેટલાએક નાના રાજાઓ પોતાની ખંડણી આપવી જારી કરે, અને તેથી રાજ્યની આમદાનીમાં વધારો થાય, તો જ બ્રાહ્મણોને રાજી કરાય, તો જ ભાણા પટેલના કહેવા પ્રમાણે ખેડુતોને છુટ આપવામાં આવે, તથા જેઠાશાનો માંગેલો દાણાનો ઘટાડો થઈ શકે. જો એ પ્રમાણે ન થાય, અને નહી થશે તેવી તેની ખાતરી હતી, તો રૈયતને ખુશ કરવી એ અશકય; માટે રાજાને રીઝવી જેમ બને તેમ પૈસા પોતાના ખજાનામાં ભરવા એ જ રસ્તો ખુલ્લો રહ્યો. પણ તેમ કરવામાં જોખમ ઘણું હતું. પ્રધાનપણું કરવું અને ગોખરૂની શય્યા ઉપર સુવું એ બે બરોબર હતું. જ્યારે સઘળા નાખુશ રહે, અને રાજા કાનનો કાચો, ત્યારે ગમે તેટલી ઊંચી પદવીનો શો ભરોસો ? વળી એવી રીતે વર્તી પોતે એકલાનું પેટ ભરી મોતે કે કમોતે મરવું એ વાત તેને જરા પણ ગમતી ન હતી. તેને કાંઈ છોકરાં ન હતાં. અને હવે પછી કદાપિ થાય પણ નહીં એવી બીક હતી. એ વાતથી તેના મનમાં નિરંતર શોક ઉત્પન્ન થતો હતો. કાળું ધોળું કરી પૈસા મેળવવા તે કોને વાસ્તે ? પાછળ કોઈ ભોગવનાર ન મળે, પિત્રાઈઓ તેની દોલતને માટે લડી મરે, અને તેનો જરા પણ ઉપકાર માને નહી, એટલું જ નહી પણ ઉલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના હૈયામાં જાણે જખમ વાગતા હોય તેવું દુઃખ થતું, વળી હિંદુશાસ્ત્ર પ્રમાણે જેને પુત્ર પરિવાર નહી તેના જીવતરને ધિક્કાર ! તેની પાછળ પોક મુકનાર, આગ મુકનાર તથા મૃત્યુ- સંસ્કાર કરનાર કોઈ નહી તેથી તેની મુઆ પછી શી ગતિ થશે એ