આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૬ )


પડતા દહાડામાં સઘળા મારૂં અપમાન કરે છે; હવે છેલ્લો વારો રામદેવનો આવ્યો. તેણે પણ હવે કાંઈ કસર રાખી નહી. હજી મારામાં સામર્થ્ય છે, હું જીવું છું, અને જ્યાંસુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારા નામને, મારા કુળને, તથા મારી જાતને કદી કલંક લગાડવા દઈશ નહી. આ ઉંચા કુળની કન્યા નીચ કુળના વરને પરણાવું ? મારા ઉપર આથી વધારે આફત આવી પડે, મને કાપીને કડકા કરે, તો પણ હું એમ થવા દઉં નહીં. અમારા લોકો પુત્રીના જન્મથી ઘણો શોક કરે છે તે વાજબી છે. તેઓ પોતાની આબરૂને ડાઘ ન પડવા દેવાને કુમળા બાળકની હત્યા કરે છે તેમાં તેઓનો કાંઈ વાંક નથી. મરેઠા જોડે રાજકન્યાનાં લગ્ન કરવાં ? આકાશ તુટી પડે, પૃથ્વી રસાતાળ જાય, તો પણ હું તેમ થવા નહી દઉં. માટે તમારા રાજાને કહેજો કે તમે મારું ઘણું જ અપમાન કીધું છે, તમારી આશા કદી સફળ થવાની નથી; તથા તમારું બોલવું કદી પ્રમાણ થવાનું નથી. શંકળદેવ તથા દેવળદેવીએ ગુપ્ત રીતે લગ્ન કીધાં હશે તે રદ છે. દેવળદેવીનો મારી રજા સિવાય કાંઈ પણ પ્રતિજ્ઞા કરવાને અખતિયાર નથી. તે હજી નાદાન છે તેથી તેનું કીધેલું મંજુર થાય નહીં, માટે મારી સાફ ના છે. તમે ઘણું કરશો તો મને આ જગાએથી કાઢી મૂકશો, પણ તેથી હું બીહીતો નથી. ચોખંડ પૃથ્વી પડી છે તેમાં ગમે તે એક ખુણામાં પડી રહી મારો આવર્દા પુરો કરીશ; પછી મારા મુઆ પછી જે કરવું હોય તે કરજો.” એટલું કહી તેણે ભાટ તથા રાજ્યગોરને વદાય કીધા.



પ્રકરણ ૧૨ મું.

રે ભગવાન ! તું કીડીને કુંજર, તથા તરણાનો મેરુ કરી શકે છે, તારી ગતિનો પાર કોઈ પામી શકતું નથી." એ પ્રમાણે દિલ્હીના સરિયામ રસ્તા ઉપર એક મોટા મહેલ આગળ કોઈ હિન્દુ નામે બિહારીલાલ ઘોડા ઉપર બેસીને આવ્યો તે તે મહેલ જોઈને બોલ્યો. તે બીચારો મહાસંકટમાં આવી પડ્યો હતો, અને તેમાંથી છૂટવાનો ઉપાય કરવાને ત્યાં આવ્યો હતો. સઘળા કાફર હિન્દુઓ મુસલમાન ધર્મ ન