આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૯ )

પંઝા લાંબા કરી તેઓ તલપ મારતા હતા. એવે વખતે જે માણસ તે જાસુસને રાજી રાખવાને તથા તેનું ગજવું ભરવાને આનાકાની કરે તેની ખરેખરી કમબખ્તી જાણવી. તે હોલામાંથી બચવા જતાં ચુલામાં પડે છે, તેને બકરી કાઢતાં ઉંટ પેસે છે; અને આખરે તેને સરકાર તથા જાસુસ એ બંનેને ટાઢા પાડવા પડે છે. બિહારીલાલની દોલતની વાસ સરકારને પડી હતી, અને તે ખબર કરનાર જઝીયાનો ઉઘરાતદાર હતો. પોતાની સાચવટ ઉપર ભરોસો રાખી, તથા એવા લોકોનો જુલમ અટકાવવાના હેતુથી, તેણે ઉઘરાતદારને ખુશ કીધો નહી, અને તેનું પરિણામ એ થયું કે, થોડા દહાડામાં તેના ઘર ઉપર જપ્તિ બેઠી, તેનાં બઈરીછેકરાંને એક એરડામાં ગોંધ્યાં, તથા તેને ગુનાહગારની પેઠે બાંધીને સરકારમાં લઈ ગયા. તે દહાડે તો તે હાજર જામિન આપીને છૂટ્યો; પણ હવે શું થશે એ વાતની તેના મનમાં ઘણી જ ચિન્તા રહી. તેને પોતાની જાતને વાસ્તે એટલી બધી ફિકર હતી એમ કાંઈ ન હતું. પોતાનો વહાલો પૈસો જે તેણે ઘણે શ્રમે, ઘણાં સંકટ ભોગવીને, તથા મોટાં જોખમ માથે લઈને મેળવ્યો હતો તે સઘળો એક પળમાં ઉડી જશે. અને તેનાં બઈરાંને માથે પણ મહાભારત દુઃખ આવી પડશે, અને તેના આવા કામને લીધે તેઓને પણ સજા થશે, એ વિચારથી તેનાં અન્તઃકરણને તીક્ષ્ણ બાણ વાગતાં હતાં. જે પ્રમાણે માબાપના રોગ છોકરાંને વખતે ઉતરે છે; તથા જે પ્રમાણે માબાપનાં કીધેલાં કામોનાં ફળ દુનિયામાં વખતે છોકરાંને ચાખવાં પડે છે તે પ્રમાણે અન્યાયી, જુલમી, તથા આપ અખતિયારી રાજાના હાથ નીચે માબાપના ગુનાહની સજા છોકરાંને ભોગવવી પડે છે એટલું જ નહીં, પણ તેઓનાં છોકરાં તથા નિકટના સંબંધીઓને પણ તેમાં વખતે સામેલ કરવામાં આવે છે. એવી બારીક હાલતમાં બિહારીલાલ આવી પડ્યો હતો. વાઘ જેવાના સપાટામાંથી પણ કોઈ વાર બચાય, પણ સરકારની એવી ચુગલમાંથી સહી સલામત છુટવું, એ તો ઈશ્વરી ચમત્કાર જાણવો. કરોળિયાની જાળમાં કોઈ માખી સપડાય છે ત્યારે તે કેટલીએક વાર સુધી તરફડિયાં મારે છે, તેમાંથી જો પાંખ અથવા