આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭ )


વિશે પણ તેને ઘણો ભય રહેતો હતો, પોતાનું નામ અમર રાખવાને માણસોને સ્વાભાવિક વૃત્તિ હોય છે, અને એ નામ પોતાના વંશથી અથવા લોકોપયોગી કામથી કાયમ રહે છે, માધવને પોતાના વંશ તરફથી કોઈ આશા ન હતી. તેમ લોકોપયોગી કામો કરવાનો હજુ સુધી પ્રસંગ પણ મળ્યો ન હતો, તેથી અગર જો તે રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, અગર જો રાજા તેને પુછ્યા સિવાય પાણી પણ પીતો ન હતો, અગર જો તેની ડોકી ધુણવાથી હજારોનાં નસીબ ખુલતાં, અને હજારો પાયમાલ થઈ જતા, અને અગર જો કે તેના ઉપર લક્ષ્મીની પણ કૃપા હતી તો પણ તે જ્યારે ભવિષ્યનો વિચાર કરતો હતો ત્યારે તેની અવસ્થા એવી થતી કે કોઈ ગામડીયો પણ તેની અદેખાઈ ન કરે.



પ્રકરણ ૨ જું.

શ્વિન સુદ ૧૦ એટલે દશેરાની સવારે રાજાના દરબાર આગળ ભારે ગડબડ થઈ રહી હતી. ઘોડાવાળાઓ (રાવતો) દશેરાની સવારીને માટે ઘોડાને સાફ કરવામાં તથા તેને શણગારવામાં, મ્હાવતો હાથીને તે પ્રમાણે કરવામાં, તેમ જ રાજાના બીજા નોકરો રથ તૈયાર કરવામાં કામે વળગી ગયા હતા. ખવાસ, ગોલા, રાજાના ભાંડ, મલ્લ વિગેરે લોકો પોતાનાં વાહનને માટે મોટી ફિકરમાં દેખાતા હતા. તે દહાડાને વાસ્તે સારાં લુગડાં તૈયાર કરાવવાને દરજીને ત્યાં દોડાદોડ થઈ રહી હતી. શહેરના સઘળા દરજી, ધોબી તથા મોચી તે દહાડાની આગલી રાત્રે જરા પણ સુતા નહતા, તેઓની સાથે તેમના કેટલાએક અધીરા ગ્રાહકો પણ જાગરણ કરવા લાગ્યા હતા, તેટલું છતાં પણ સવારે તેઓની દુકાને એટલી તો ભીડ થઈ રહી હતી કે કોઈ છુંદાઈ ન ગયું એજ આશ્ચર્યકારક હતું. શહેરમાં ચોમાસાના વરસાદનું પાણી બહાર જવાને મોરીઓ છુટી મુકી હતી તે સઘળી લોકોએ તે સવારે બંધ કરી દીધી હતી, તેથી તે રસ્તો આરસી જેવો સાફ થઈ ગયો હતો.