આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૪ )

જેણે તેના ઉપર આટલા બધા ઉપકાર કીધા હતા, તથા જેણે તેને ધુળમાંથી ઉઠાવી લઈને એક મહેલમાં બેસાડ્યો હતો, તેની જ તરફ અપકાર કરીને જીવતાં પણ પોતે તખ્તનશીન થવાને ઉદ્યોગ કર્યા કરતો હતો. તે ખોજા કાફુર હજાર દીનારીના મેહેલ આગળ બિહારીલાલ ઉભો હતો અને તેને દ્રવ્ય આપી સંતોષીને આવી પડેલી આફતમાંથી બચવાની તે ઉમેદ રાખતો હતો.

ઘોડા ઉપરથી ઉતરીને દરવાજામાં બિહારીલાલ પેંસવા જાય છે એટલે દરવાને તેને રોક્યો, અને એક હડસેલો મારી તેને ફેંકી દેવાની તૈયારીમાં હતો એટલામાં તેણે તેનો જુસ્સો સોનેવતી નરમ પાડ્યો. આગળ જતાં ઘણા સિપાઈએ તેને વિંટળાઈ વળ્યા. તેઓ સઘળાને તેણે સોનાના પ્રસાદથી સંતોષ્યા. પછી કેટલાએક મેહેતાઓને પણ પાનસોપારી મળ્યાં, એટલું સોનું જ્યારે વપરાયું ત્યારે તેને બેસવાની જગા મળી, અને એક સિપાઈએ માંહેના ઓરડામાં કાફુર એક દર્વેશ સાથે વાત કરતો હતો ત્યાં જઈ બિહારીલાલ આવ્યાની વાત જાહેર કીધી. કાફુરનું નાક પણ પૈસા સુંધી સુંધીને ઘણું તીવ્ર થયલું હતું, તેથી તેણે બિહારીલાલના પૈસાની ગંધ પારખી અને દર્વેશને થોડી વાર સબુર કરવાનું કહી તે બહાર આવ્યો. બિહારીલાલને આગળથી ભણાવી મૂકયો હતો તે પ્રમાણે કાકુરને જોતાં જ તેણે પાઘડી માથા ઉપરથી ફેંકી દીધી અને લાંબે થઈ પગે લાગીને રડી પડ્યો. પણ રૂદનના શબ્દથી પિગળે એવું કાફુરનું અન્તઃકરણ કોમળ ન હતું. તેના હૈયા ઉપર તો જુદી જ રીતે અસર થતી હતી, અને જ્યારે સોનાનો ખણખણાટ તેને કાને પડતો ત્યારે જ તે ઈંદ્રિયદ્વારે તેના હૃદય પર અસર થતી. જ્યારે રડવાથી તેનું કામ થવાને બદલે ઉલટો કાફુર ગુસ્સે થયો ત્યારે તેણે પોતાની પાસે જે એકસો સોનાની અશરફીની કોથળી હતી તે તેની પાછળ ખાલી કીધી, અને “મારો જે અપરાધ થયો હોય તે ક્ષમા કરો,” એટલું જ તે બોલી શકયો. કાફુરે તે અશરફીના ઢગલા તરફ જોયું, પણ તે ઘણો નાનો લાગ્યો તેથી તે ઉપર પગની ઠેસ મારી તેને વેરી નાંખી, ક્રોધથી બોલ્યો: “ કાફર ! ચંડાળ !