આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૦ )

તેને જે નિરંતર ચિન્તા થયાં કરતી હતી, તથા અમીર ઉમરાવોને આવા નીચ ગુલામ, આવા આજકાલના ચઢેલા શખ્સને પાદશાહ જેટલું માન આપવું પડતું હતું, તેથી તેના ઉપર જે કંટાળો, ક્રોધ તથા અદેખાઈ આવતી હતી, અને તેને લીધે તેઓ તેની ઉંચી પદવી ઉપરથી તેને ઢોળી પાડવાને તથા તેનો અન્ત આણવાને પણ હજારો યુક્તિઓ કર્યા કરતાં હતા, તેને અટકાવવાને તેને હમેશાં ચોકસી રાખવી પડતી. એથી જે તેના સુખમાં ઘટાડો થતો હતો તે એક કોરે મૂકીએ તોપણ તેને અસુખ થવાને બીજાં બે મોટાં કારણો હતાં. એક તો એ કે તેના લોભની તથા અસંતોષની વૃત્તિ ઘણી પ્રબળ થઈ ગઈ હતી. આટલી બધી વાર સુધી તેનાં ધારેલાં કામો તથા રાખેલી આશા સફળ થયાં કીધી તેથી ઇચ્છાનું જોર ઘટવાને બદલે ઉલટું વધ્યું. તેના અન્તઃકરણમાં લોભનો કીડો મોટો થયો, અને તેનું કલેજું કોતરી ખાવા લાગ્યો. તેને હવે પાદશાહ થવાનો લોભ થયો, અને તેની નજર હવે તે નિશાન ઉપર ગયાં કરતી હતી. પણ પાદશાહ થતા પહેલાં તેણે પ્રસિદ્ધ થવું જોઈયે; તેણે કોઈ પ્રકારે નામ મેળવવું જોઈએ, તેણે કોઈ પણ પરાક્રમ કરી લોકોમાં ઘણું માન મેળવવું જોઈએ; અને આવા અજ્ઞાન લોકોમાં શૂરાતન દેખાડવાથી જ તથા બહાદુરીનાં કામો કીધાથી જ પ્રસિદ્ધ થવાય, નામ મેળવાય, તથા પ્રતિષ્ઠા સંપાદન થાય. અત્યાર સુધી તેણે કાંઈ બહાદુરીનાં કામ કીધાં ન હતાં, તેણે આ માટે મરતબો ફક્ત નરમાશથી તથા કાવતરાં કરી મેળવ્યો હતો. તેનું કુળ આવું નીચું હતું, તેની અવસ્થા કનિષ્ઠમાં કનિષ્ઠ ગુલામગીરીની હતી, તે પોતાનું રૂપ સુધારવાને હમેશાં ઉપાયો કર્યા કરતો હતો; તેણે ઝનાનખાનામાં તેની જીન્દગીનો કેટલોએક ભાગ કાઢ્યો હતો, તથા તે ખોજો હતો તે ઉપરથી તેના શૂરાતન વિષે લોકોના મનમાં માટે શક હતો, અને જ્યાં સુધી તે શક કાયમ રહે ત્યાં સુધી તેની ધારેલી મતલબ પાર પાડવામાં મોટી હરકત પડે એમ સમજીને તેણે પોતાનું ખરું સ્વરૂપ લોકોને દેખાડવાને, પોતાની સ્વાભાવિક હિંમત તથા બહાદુરી પ્રકટ