આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૨ )

ઉપરથી કોઈએ એમ ધારવું ન જોઈએ કે તેનું આગલું દુઃખ ખોટું હતું, તથા તેણે જે વિલાપ કીધો તે ઢોંગ હતો. માણસને માથે જ્યારે દુઃખ પડે છે ત્યારે ખરેખરી દિલગીરી થાય છે, પણ પરમેશ્વરે દુઃખી માણસ ઉપર દયા લાવી તેનું મન એવું તો સ્થિતિસ્થાપક કીધેલું છે કે થોડી મુદત સુધી ઘણામાં ઘણો સંતાપ ભોગવી કેટલીક વાર પછી આશાની સહાયતાથી તે પોતાની અસલ સ્થિતિ ઉપર આવી જાય છે. જો પરમ દયાળુ ઈશ્વરે એમ કીધું ન હોત, જો માણસનું દુ:ખ વખત જવાથી નરમ પડતું ન હોત, તો તે ખરેખરે દુ:ખી અભાગીયો થઈ પડત, તેનું આખું આવર્દા દિલગીરીમાં જ જાત, અને તેથી દુનિયાનો ઘણી મુદ્દત ઉપર અન્ત આવ્યો હોત. અગર જો કેટલાએકનું મન એવું જડ હોય છે કે તેમાં દિલગીરી જડમૂળ ઘાલીને વસે છે, તથા તેથી તેઓ દેહત્યાગ કરે છે, તો પણ એવા થોડા છે. તેઓ જગતના નિયમથી બહાર છે. કૌળાદેવી તેવી ન હતી, માટે તેને ઠપકો દેવો એ અયોગ્ય ગણાય. કાફુરે કેટલીએક વાત કીધા પછી ખંડિયા રાજાઓનો વિષય કાઢ્યો, અને દેવગઢનો રાજા રામદેવ પોતાના સામર્થ્ય ઉપર ભરોસો રાખીને આજ ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, એ આપણું મોટું અપમાન થાય છે, માટે તેને ભારે સજા થવી જોઈએ, તેના ઉપર એક મોટું લશ્કર મોકલવું જોઈએ, અને જો આપની રજા હોય તો હું તે લશ્કર લઈને જલદીથી તેને ઠેકાણે લાવી તેની પાસેથી ચઢેલી ખંડણી વસુલ કરી લાવું, એટલું જ નહી પણ ત્યાંની અગણિત લક્ષ્મી ઘસડી લાવી આપની સેવામાં રજુ કરું. એ કામ કરવાથી બે ફળ થશે. એક તો આપણી દોલતમાં તથા સત્તામાં વધારો થશે, આપણી બહાદુરી પ્રકટ થશે, અને આપણા નામનો ત્રાસ હિન્દુસ્તાનમાં ફેલાશે. લોકો જોશે કે આપણે હજુ લડાઇથી થાકી ગયા નથી; આપણી પાસે લશ્કર, દ્રવ્ય તથા લડવાનાં બીજાં સાધનોની હજી કાંઈ ખોટ નથી, તથા આપણે હજી આપણી મેળવેલી સત્તા વધારવાનો તથા કાયમ રાખવાનો અને બળવાખોરોને ભારે સજાઓ પહોંચાડવાને સમર્થ છઈએ. બીજું ફળ મારી જાતને થશે. ઈહાંના